સાકરિયો સોમવાર મહાદેવની વ્રત કથા PDF

Sakariyo Somwar Vrat Katha In Gujarati PDF Free Download

સાકરિયો સોમવાર વ્રત પૂજા વિધિ

સાકરિયો સોમવાર એ સોળ સોમવાર ની વ્રત કથા નો એક પ્રકાર છે.

આ વ્રત ઘણું કઠણ છે. નબળાં માંદાએ કરવું નહિ. શ્રાવણના પહેલા સોમવારે વ્રત કરનારે વહેલા ઊઠી, માથાબોળ નાહીધોઈ મહાદેવજીની નીચેની વાર્તા સાંભળવી.

વાર્તા સાંભળતી વેળા ‘મહાદેવજી, મહાદેવજી’ કહી હુંકારો પૂરવો. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. નૈવેધમાં પચાસ પૈસાની કે રૂપિયાની સાકર લેવી.

સાકરના ચાર સરખા ભાગ કરવા. એક ભાગ મહાદેવજીને ધરાવવો, બીજો રમતાં બાળકોને આપવો. ત્રીજો પોતે આરોગવો અને ચોથો ભાગ જળમાં પધરાવવો. વધુ વિધિ વાર્તામાં આપેલી છે.

‘શ્રાવણ મહિનો આવે, શ્રાવણનો પહેલો સોમવાર આવે, ત્યારે આ વ્રત થાય. આ વ્રત કરનારે વહેલા ઊઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવાં અને સાકરનો એક ગાંગડો લેવો.

સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું. ત્યાં જઈ સાકરના ચાર સરખા ભાગ કરવા.

એક ભાગ મહાદેવજીને ચઢાવવો, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ પોતે આરોગવો અને ચોથો ભાગ નદી, તળાવ કે કૂવાના પવિત્ર જળમાં પધરાવવો, આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને મહાદેવજીની કથા વાર્તા સાંભળવી. સાંજે મહાદેવજીનું પૂજન કરવું. રાત્રે ભોંય પથારી કરી સૂઈ જવું.’

આ પ્રમાણે સોળ સોમવાર કરવા. છેલ્લા સોમવારે સવાશેર ગોળ, સવાશેર ઘી અને સવાશેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ કરવા.

એક લાડુ મહાદેવજીને ધરાવવો, બીજો લાડુ રમતા બાળકને આપવો, ત્રીજો લાડુ પોતે જમવો અને ચોથા લાડુનો પ્રસાદ કરી વહેંચી દેવો.

આ બધું દીવાવેળા થતાં પહેલાં કરવું. લાડુ દીવાને બતાવવો નહિ. આ રીતે વ્રતનું ઉજવણું કરવું. આમ કહીને મહાદેવજી અંતરધાન થયા અને સ્વપ્ર ઊડી ગયું.

સાકરિયો સોમવાર વ્રત કથા

કંકાવટી નામે નગર હતું. ત્યાં એક બ્રાહ્મણ રહે. બ્રાહ્મણને આખા શરીરે કોઢ નીકળેલા, એટલે એને કોઈ કન્યા દે નહિ. કોઢ મટાડવા બ્રાહ્મણે ઘણા ઘણા ઉપાયો કર્યા પણ ફોગટ ગયા.

છેવટે એણે સોળ સોમવારનું વ્રત આદર્યું. વ્રત પૂરું થતાંમાં મહાદેવજીની કૃપા અને તેના કોઢ મટી ગયા, કંચનવરણી કાયા થઈ ! થઈ ગામગામથી તેનાં માગાં આવવા લાગ્યાં.

છેવટે તેણે એક ગુણવાન અને રૂપવાન કન્યા સાથે લગ્ન કર્યું. ધણીધણીયાણી સુખથી રહેવા લાગ્યાં. પરંતુ તેના ભાગ્યમાં હજી દુઃખ લખાયેલું હતું, ગયા ભવનાં પાપનાં ફળ ભોગવવાનાં અધૂરાં હતાં.

ચોમાસાના દહાડા હતા. મધરાતે ગાજવીજથી આકાશ ખળભળી ઊઠ્યું. જોતજોતામાં મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. અચાનક કડાક કરતી બ્રાહ્મણના ઘરની ભીંત ફાટી ! બ્રાહ્મણ અને બ્રાહ્મણી જીવ લઈને ઘર બહાર નીકળી ગયાં. ઘડીકવારમાં આખું ઘર ઢગલો થઈને પડ્યું !

અઠવાડિયું થયું પણ વરસાદ બંધ રહે નહીં. કંકાવટી નગરીના લોકો ભારે ચિંતામાં પડ્યાં. ઘણાં ઘર પડી ગયાં. ખેતીવાડી તણાઈ ગઈ. લોકોમાં ત્રાસ ત્રાસ થઈ ગયો !

થોડા દિવસ પછી બ્રાહ્મણે પોતાના ઘરને ઠેકાણે ઝૂપડું બાંધ્યું. પણ હવે ખાવું શું ? ગામના લોકો નિરાધાર દશામાં આવી પડ્યા હતા. સૌને પોતપોતાની પડી હતી, ત્યાં બ્રાહ્મણને કોણ ટેકો આપે ? છેવટે બ્રાહ્મણે પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને પોતાની સ્ત્રીને વાત કરી.

બ્રાહ્મણીએ કહ્યું : ‘ભલે, તમે સુખેથી જાવ. મારી ચિંતા ન કરશો. હું ગમે તે રીતે પરિશ્રમ કરીને મારું જીવન ચલાવીશ.’

બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો. ઘણો ઘણો ફર્યો પણ ક્યાંય ઠેકાણું પડ્યું નહિ ! આમ ઘણા દિવસો વીતી ગયા. છેવટે ફરતો ફરતો તે એક ઋષિના આશ્રમે આવી પહોંચ્યો.

આશ્રમની ભૂમિ ઘણી રળિયામણી હતી. અહીં આંબા, આસોપાલવ અને લીમડાનાં ઘણાં વૃક્ષો હતાં. આશ્રમના ઉપવનમાં દાડમ, નારંગી, સીતાફળ સાથે જાતજાતના ફૂલછોડો પણ હતા.

આમ અહીંનું વાતાવરણ ઘણું જ મનોહર હતું, વળી પાસે જ નદીનું સ્વચ્છ પાણી વહેતું હતું. રખડી રઝળીને કંટાળેલા બ્રાહ્મણને અહીં થોડાક દિવસ રહેવાની ઇચ્છા થઈ. બ્રાહ્મણ આશ્રમમાં ગયો અને ઋષિને પ્રણામ કરીને બેઠો. બ્રાહ્મણની વાત સાંભળી ઋષિને બહુ દુઃખ થયું. તેમણે બ્રાહ્મણને રહેવાની સુખેથી હા પાડી.

થોડા દિવસ પછી બ્રાહ્મણે આગળ જવાનો વિચાર કર્યો. તે ઋષિ પાસે ગયો અને જવાની આજ્ઞા માગી.

ઋષિએ કહ્યું : ‘ભાઈ ! તારું દુઃખ હું શી રીતે ભાંગું ! મારી પાસે ધન હોત તો હું તને અવશ્ય સહાય કરત, છતાં લે, આ સજીવનટ્ટિ ! હું તને આપું છું, તે તને સહાયરૂપ થઈ પડશે. આ બુટ્ટિનો એવો પ્રભાવ છે કે, તેને ઘસીને પાવાથી મરેલું માણસ જીવતું થાય. તેનાથી તું એક માણસને સજીવન કરી શકીશ.

ઋષિના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ સજીવનબુટ્ટિ લઈને ચાલી નીકળ્યો.

બ્રાહ્મણ ફરતો ફરતો એક નગરમાં આવી પહોંચ્યો. તે નગરમાં પેઠો તો અહીંના બધા જ માણસોને તેણે શોકમાં દીઠા. તે થોડે દૂર ગયો, ત્યાં તો હૈયાફાટ રૂદનની કરુણ ચીસો સંભળાવા લાગી ! પાસે જ રાજાનું રાજભવન હતું.

રાજાનો કુંવર મરી ગયો હતો તેથી આખું રાજકુટુંબ હૈયાફાટ રૂદન કરતું હતું.

બ્રાહ્મણને ઝટ પોતાની સજીવનબુટ્ટિ સાંભરી આવી. તે સીધો જ રાજભવનમાં ગયો અને રાજાને પ્રણામ કરી કહ્યું : ‘રાજાજી ! જો આપ આજ્ઞા આપો તો, હમણાં જ હું તમારા કુંવરને સજીવન કરું.’

રાજાએ પહેલાં તો બ્રાહ્મણની વાત ન માની, પણ તેનો ઘણો જ આગ્રહ જોયો ત્યારે કહ્યું : ‘જો તમે મારા પુત્રને જીવતો કરશો તો તમે જે માગશો તે આપીશ.’

બ્રાહ્મણે પોતાની પાસેથી સજીવનબુટ્ટિ કાઢી, પથ્થર ઉપર ઘસી અને તેનું પાણી બનાવી કુંવરના મોંમાં રેડ્યું. થોડીવારમાં કુંવરના દેહમાં ઊનમ આવવા લાગી.

કુંવરે તો પાસું ફેરવ્યું ! આ ચમત્કાર જોતાં જ રાજકુટુંબના માણસોના મોઢાં ઉપર આનંદ તરવરવા લાગ્યો. થોડીવારમાં કુંવર આંખો ઉઘાડીને બેઠો થયો અને વાતો કરવ! લાગ્યો.

રાજાએ પોતાના વહાલસોયા પુત્રને છાતી સરસો ચાંપી લીધો. તેણે બ્રાહ્મણનો ઘણો જ આભાર માન્યો અને આગ્રહ કરીને પોતાને ત્યાં રાખ્યો.

અહીં કંકાવટી નગરીમાં બ્રાહ્મણી દુઃખમાં દિવસો વીતાવતી હતી. મહિના ઉપર મહિના વીતી ગયા, છતાં તેના પતિના કોઈ સમાચાર ન હતા, એટલે ચિંતામાં ને ચિંતામાં તે દુબળી થઈ ગઈ હતી, હવે તો તેનાથી વધારે પરિશ્રમ પણ થઈ શકતો ન હતો.

શ્રાવણ માસ આવ્યો, શ્રાવણનો સોમવાર આવ્યો. કંકાવટી નગરીની બધી સ્ત્રીઓ સોમવારનું વ્રત કરે. બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત લીધું.

બીજા બધા સોમવાર કરી એકટાણું જમે પણ બ્રાહ્મણીના ઘરમાં આજે અન્નનો દાણો પણ ન હતો. એ તો મહાદેવજીને સંભારતી ભૂખની મારી બેસી રહી. નમતો પહોર થયો, કકડીને ભૂખ લાગી. તેના પેટમાં બળતરા થવા લાગી, પણ કરે શું?

અહીંના રાજાને કુંવર જન્મ્યો હતો, એટલે રાજાએ આખા નગરમાં સાકર વહેંચવાની આજ્ઞા કરી. રાજગોર સાકર વહેંચતા વહેંચતા બ્રાહ્મણીને ઘરે આવ્યા અને સાકર આપી.

બ્રાહ્મણીએ સાકરનું પાણી કરીને પીધું. એના પેટની બળતરા શાંત થઈ. રાત પડી એટલે એ મહાદેવજીનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ.

બ્રાહ્મણી ભર ઊંઘમાં હતી. ત્યાં તો તેને સ્વપું આવ્યું અને સાક્ષાત્ મહાદેવજીએ દર્શન દીધાં આશીર્વાદ આપતાં મહાદેવજી બોલ્યા : હે બ્રાહ્મણી ! જાણે અજાણે પણ તે આજે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે, જે વ્રત પહેલવહેલું દક્ષ કન્યા સતીએ કર્યું હતું. જેના પ્રતાપે તે મને પામી હતી.’

‘ભગવાન ! એ વ્રત વિધિ સહિત શી રીતે થાય ? બ્રાહ્મણીએ હાથ જોડીને પૂછ્યું.’

મહાદેવજી બોલ્યા : ‘શ્રાવણ મહિનો આવે, શ્રાવણનો પહેલો સોમવાર આવે, ત્યારે આ વ્રત થાય. આ વ્રત કરનારે વહેલા ઊઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવાં અને સાકરનો એક ગાંગડો લેવો. સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું. ત્યાં જઈ સાકરના ચાર સરખા ભાગ કરવા.

એક ભાગ મહાદેવજીને ચઢાવવો, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ પોતે આરોગવો અને ચોથો ભાગ નદી, તળાવ કે કૂવાના પવિત્ર જળમાં પધરાવવો, આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને મહાદેવજીની કથા વાર્તા સાંભળવી. સાંજે મહાદેવજીનું પૂજન કરવું. રાત્રે ભોંય પથારી કરી સૂઈ જવું.’

આ પ્રમાણે સોળ સોમવાર કરવા. છેલ્લા સોમવારે સવાશેર ગોળ, સવાશેર ઘી અને સવાશેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ કરવા. એક લાડુ મહાદેવજીને ધરાવવો, બીજો લાડુ રમતા બાળકને આપવો, ત્રીજો લાડુ પોતે જમવો અને ચોથા લાડુનો પ્રસાદ કરી વહેંચી દેવો. આ બધું દીવાવેળા થતાં પહેલાં કરવું. લાડુ દીવાને બતાવવો નહિ. આ રીતે વ્રતનું ઉજવણું કરવું. આમ કહીને મહાદેવજી અંતરધાન થયા અને સ્વપ્ર ઊડી ગયું.

બ્રાહ્મણીએ સાકરિયા સોમવારનું વ્રત લીધું. વ્રત પૂરું થયું, ત્યાં તો રાજાએ આપેલું ખાધે ખૂટે નહિ એટલું ધન લઈને બ્રાહ્મણ ઘરે આવ્યો.

બ્રાહ્મણને સુખરૂપ ઘરે આવેલો જોઈ બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો. તેણે બ્રાહ્મણને સાકરિયા સોમવારના વ્રતની વાત કહી.

બંને જણે સાથે મળીને આનંદપૂર્વક વ્રત ઊજવ્યું. બ્રાહ્મણે પોતાની ઝૂંપડીની જગાએ હવેલી ચણાવી અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યાં. થોડા સમયમાં મહાદેવજીની કૃપા ફળી અને તેમને ઘેર દેવ જેવો દીકરો અવતર્યો.

જય મહાદેવજી ! સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું અમને ફળજો !

લેખકલોક સંસ્કૃતિ
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ6
Pdf સાઇઝ0.2 MB
Categoryવ્રતકથાઓ

ધરમ રાજા ની વાર્તા PDF

સાકરિયો સોમવાર મહાદેવ ની વ્રત કથા — Sakariyo Somwar Vrat Katha In Gujarati PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!