‘ધર્મરાજા અને સૂર્યનારાયણ ની વાર્તા’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Dharmaraja Vrat Katha’ using the download button.
ધર્મરાજા અને સૂર્યનારાયણ ની વાર્તા – Dharmraja ni Varta PDF Free Download
ધર્મરાજા વ્રતની પૂજા વિધિ
આ વ્રત ઘણું કરીને મકરસંક્રાતિના દિવસથી લેવાય છે અને છ મહિને પૂરું થાય છે. વ્રત કરનારે નાહી ધોઈને ધર્મરાજાની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતાં ‘ધર્મરાજા ! ધર્મરાજા!’ એમ બોલવું.
મારું વ્રત છ મહિનાનું છે. ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામનો ઘીનો દીવો કરવો. હાથમાં જારના દાણા રાખી મારી વાત સાંભળવી. કોઈ સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો. છ મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું.
વાંસનો ટોપલો, સવાશેર જુવાર, લાલ કપડાંનો કટકો, એક જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, સવાશેર સાચાં મોતી, સવાશેર વજનનાં નાવ અને નિસરણી અને બે સોનારૂપાની મૂર્તિઓ એ બધું સુપાત્ર વિજ્ઞાનને દાનમાં આપવું, બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું.
સવાશેર ઘીની સુખડી કરી ચાર ભાગ કરવા. એક ગાયના ગોવાળને, બીજો બ્રાહ્મણને, ત્રીજો રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસો સાથે જમવો.
ધર્મરાજાની વાર્તા
બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતાં. તેમને બે છોકરા ને એક છોકરી હતાં. આખું યે કુટુંબ નિર્ધન હોવા છતાં ઘણું નીતિમાન હતું. તેઓને આંગણે આવેલો કોઈ અતિથિ હજુ સુધી ખાલી હાથે પાછો ગયો ન હતો.
હમેશાં એક અતિથિને જમાડીને જમવાનો તેમનો નિયમ હતો. સંજોગવશાત્ કોઈ અતિથિ ન આવે, તો ચકલાંને દાણાં નાખીને પછી જ તેઓ જમતાં. તેઓ નિરાધાર સ્થિતિમાં હતાં, પણ અત્યાર સુધી તેઓ કોઈ દિવસ નિયમ ચૂક્યાં ન હતાં.
ઘણો પરિશ્રમ કરવા છતાં, તેઓ માંડ માંડ પેટ પૂરતું અનાજ પામતાં તેથી બંને છોકરાઓએ વિચાર કર્યો કે, આપણે પરદેશ જઈને કંઈક કમાઈએ તો ઠીક.
બંને છોકરાઓ પરદેશ જવા ચાલી નીકળ્યા. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરી મળીને ત્રણ જણાં ઘરે રહ્યાં.
ચોમાસાના દિવસ આવ્યા. આકાશમાં વાદળો છવાયાં. વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો અને અચાનક વાવાઝોડું થયું. બ્રાહ્મણને ત્યાં ન કોઈ અતિથિ આવ્યો કે ન ચકલુ ય ફરક્યું.
આખાયે કુટુંબને ઉપવાસ થયો, એક દિવસ, બે દિવસ, દશ દિવસ અને પંદર દિવસ થયા, છતાં વરસાદ બંધ ન રહ્યો. હેલી મંડાણીએ મંડાણી ! આખું કુટુંબ પંદર દિવસ સુધી અન્નનો દાણો ન પામ્યું.
છેવટે ભગવાન ત્રણે જણાની શ્રદ્ધા-ભક્તિ ઉપર પ્રસન્ન થયાં. ભગવાન અને લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ લઈ ઊડતાં ઊડતાં બ્રાહ્મણને ઘરે આવ્યા.
ઘણા દિવસે હંસ અને હંસલીને જોઈ બ્રાહ્મણી રાજી રાજી થઈ ગઈ. બ્રાહ્મણી તો અનાજના ખોબે ખોબા ઉછાળવા લાગી. ભગવાનને હજી કસોટી કરવાનું મન થયું ! હંસ કે હંસલીએ એક પણ દાણો ન ખાધો.
તેથી બ્રાહ્મણને ઘણું દુ:ખ થયું. પક્ષીઓ સામે જોઈ તે બોલ્યો : ‘અમે એવાં શાં પાપ કર્યો હશે, કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ ખાતાં નથી’
હંસ બોલ્યો : ‘હૈ બ્રાહ્મણ ! દુઃખી ન થઈશ. તારાં કોઈ પાપ નથી, પણ અમે રાજહંસ છીએ, સાચાં મોતી વિના અમે બીજો ચારો ન ચરીએ.’
આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો ! તે મનમાં વિચારવા લાગ્યો, અમે અનાજના દાણા તો પૂરા પામતાં નથી અને મોતીના દાણા લાવવા ક્યાંથી ?
પતિને નિરાશ થયેલો જોઈ પત્ની બોલી : ‘હું નગરશેઠ પાસે જાઉ છું. જો તેમને ત્યાં સાચાં મોતી હશે તો હું અચૂક લાવીશ.’ બ્રાહ્મણી સાચાં મોતી લેવા નગરશેઠને ત્યાં ગઈ.
નગરશેઠ તો સાતમે માળે સોનાને હીંચકે હીંચતા હતા. બ્રાહ્મણીને આવેલી જોઈ શેઠ બોલ્યા : ‘આવો બહેન ! કેમ આવવું થયું ? જે કામ હોય તે સુખેથી કહો.
બ્રાહ્મણીએ કહ્યું : ‘શેઠ ! મારે સવાશેર સાચાં મોતી જોઈએ છે.’ ‘સવાશેર મોતી !’ સાંભળી શેઠ તો વિચારમાંજ પડી ગયા.
એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ છે કે શું ?’ છતાં તેમણે પૂછ્યું : બહેન, સવાશેર મોતીને તમેશું કરશો અને જાણો છો કે સવાશેર મોતીનું મૂલ કેટલું થાય’
બ્રાહ્માણી બોલી : ‘મૂલ ગમે તેટલું થાય, પણ સવાશેર મોતી મારે જોઈએ જ છે. મારી પાસે પૈસા નહિ હોય તો મારું ઘર વેચીને આપીશ.’
શેઠ બ્રાહ્મણને ઓળખતા હતા. તે કદી જૂઠું બોલે તેવી ન હતી. તેથી તેમણે સવાશેર મોતી તોલી આપ્યાં. બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં બધાં મોતી વેર્યા. પાણી ભરીને ત્રાંબાકૂંડી મૂકી.
હંસ-હંસલી મોતી ચરી, પાણી પીને ઊડી ગયાં. આજે પંદર દિવસનાં ઉપવાસી બ્રાહ્મણ-બ્રાહ્મણી અને છોકરી જમવા પામ્યાં.
જમી પરવારી બહાર નીકળ્યા પછી છોકરીની દૃષ્ટિ એક મોતી ઉપર પડી. મોતી લઈને છોકરી તેની મા પાસે દોડી અને બોલી: ‘મા ! મા ! આ એક મોતી રહી ગયું છે.’
બ્રાહ્મણી બોલી : ‘બેટી ! એ મોતી આપણા ઘરમાં ન રખાય. તુલસીક્યારામાં મૂક.’ છોકરીએ મોતી તુલસીક્યારામાં મૂક્યું. બીજે દિવસે બ્રાહ્મણની દૃષ્ટિ તુલસીક્યારામાં તો તુલસીની ડાળિયે ડાળિયે મોતીની સેરો લટકે !
બ્રાહ્મણી તો મોતી ઉતારીને શેઠને ત્યાં આપી આવી. નગરશેઠને પોતે આપેલા મોતી કરતાં વધારે પાણીવાળાં મોતી પાછાં મળ્યાં, તેથી શેઠને ઘણો આનંદ થયો અને પોતાની છોકરીને માટે એ જ મોતીનો હાર બનાવરાવ્યો.
એક દિવસ નગરશેઠની છોકરી રાજાને ત્યાં રમવા ગઈ. છોકરીના ગળાનો હાર જોઈ, રાજકુંવરી હઠે ચડી. રાજકુંવરી રાજા પાસે ગઈ અને એ જ હારની માંગણી કરી.
કુંવરીની જીદ પૂરી કરવા રાજાએ નગરશેઠને બોલાવ્યા અને તેમની દીકરીનો હાર માગ્યો.
શેઠે કહ્યું : ‘મહારાજ ! મારી દીકરીને એ હાર ઘણો જ વહાલો છે, એટલે એ નહિ જ આપે. જો આપને એવો જ હાર જોઈતો હોય તો બ્રાહ્મણને ત્યાં જાવ. આ મોતી મને ત્યાંથી મળ્યાં છે.’
રાજા બ્રાહ્મણને ઘરે ગયો. તુલસી ક્યારે જોયું તો મોતીની સેરો જ સેરો જોઈ ! આ જોઈને રાજાની વૃત્તિ બગડી. રાજાએ સેવક ને આજ્ઞા કરી: ‘આજ ને આજ આ આખો ક્યારો રાજમહેલમાં ઊઠાવી જાવ!’
આમ રાજાએ પોતાના સ્વાર્થ માટે ગરીબ બ્રાહ્મણનું ધન ખૂંચવી લીધું.
બીજે દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયો… પણ આ શું ! રાજા જેવો અડક્યો કે તુરત તેના હાથ ચોંટી ગયા ! રાજાએ બૂમ પાડી. રાણી દોડતી આવી. રાણી અડકી તો તેના હાથ પણ ચોંટી ગયા ! આખા રાજભવનનાં માણસો ગભરાઈ ગયાં.
હવે શું કરવું ? છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણ આવીને અડક્યો કે તુરત રાજા-રાણીના હાથ છૂટા થયા. રાજા વીલે મોઢે પાછો વળ્યો.
બ્રાહ્મણને ત્યાં નિત્ય પાછાં સવાશેર મોતી ઉતરવા લાગ્યાં. બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું: ‘હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. આજ છીએ ને કાલ નથી. દેહનો વિશ્વાસ ન રખાય. જુઓ, આ જે કંઈ છે એના ત્રણ ભાગ કરજો, બે ભાગ તમે લેજો અને એક ભાગ બહેનને આપજો.’
દિવસ વિત્યા અને બ્રાહ્મણ-બ્રાહ્મણી ગુજરી ગયાં.
એક દિવસ મોટા છોકરાની વહુએ મે’ણું માર્યું: ‘તમારી બહેન ત્રીજો ભાગ લે, અહીં રહે અને રોટલા મારે ટીપવાના ! એ મારાથી નહીં બને. ત્રીજો ભાગ લેવો હોય તો અલગ કરી દ્યોવ !
બહેનને ભાભીના આ શબ્દોથી ઘણું દુ:ખ થયું. બહેન તો અલગ રહી. નિત્ય નિયમ પ્રમાણે ચકલાંને ચણ નાંખતી, અતિથિને જમાડતી અને પ્રભુભજન કરતી.
એક દિવસ એને તાવ ચડ્યો ! ભાઈઓએ વિચાર કર્યો: ‘બહેનને જોયે ઘણા દિવસ થયા, ચાલો, આજે મળી આવીએ.’ બંને ભાઈ મળવા આવ્યા. આવીને જુએ છે, તો બહેનનું શબ પડેલું બંને ભાઈ પોક મૂકીને રડ્યા.
બહેન સતી હતી. એનો જીવ લઈને ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા. જતાં હતા ત્યાં વચમાં વૈતરણી નદી આવી.
બહેને ગાયોનાં દાન કર્યાં હતાં, એટલે એક ગાય આવી. તેઓ ગાયને ટેકે ટેકે વૈતરણી નદી તરી ગયાં. આગળ જતાં ગોખરૂનું વન વટાવી દીધું.
બહેન જોડાનાં દાન કર્યાં હતાં, એટલે બહેનને જોડા મળ્યાં. તેમણે જોડા પહેરી ગોખરૂનું વન વટાવી દીધું.
આગળ જતાં તાપના અંગારા વરસવા લાગ્યા. બહેને છત્રીનાં દાન કર્યાં હતાં, એટલે બહેનને છત્રી મળી અને તડકો વટાવી ગયાં.
બહેન અન્નદાન આપ્યું હતું. એટલે બહેનને તો ભોજન મળ્યું. આગળ જતાં લોખંડનો ધખધખતો થંભ આવ્યો. બહેને કપડાંનાં દાન કર્યાં હતાં એટલે કપડાં વીંટાઈ ગયાં. એમ કરતાં કરતાં બહેન ધર્મરાજાની સભામાં આવ્યાં.
ધર્મરાજાએ બહેનના ચોપડા તપાસવા માંડ્યા. બધાં વ્રત નીકળ્યાં પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું ! ધર્મરાજા કહે : ‘તમે મારું વ્રત કર્યું નથી, માટે તમે પાછા મૃત્યુલોકમાં જાવ !’ બહેન કહે : ‘તમારું વ્રત શી રીતે થાય ?’
ધર્મરાજા બોલ્યાં : ‘મારું વ્રત છ મહિનાનું છે. ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામનો ઘીનો દીવો કરવો. હાથમાં જારના દાણા રાખી મારી વાત સાંભળવી. કોઈ સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો. છ મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું. વાંસનો ટોપલો, સવાશેર જુવાર, લાલ કપડાંનો કટકો, એક જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, સવાશેર સાચાં મોતી, સવાશેર વજનનાં નાવ અને નિસરણી અને બે સોનારૂપાની મૂર્તિઓ એ બધું સુપાત્ર વિજ્ઞાનને દાનમાં આપવું, બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું. સવાશેર ઘીની સુખડી કરી ચાર ભાગ કરવા. એક ગાયના ગોવાળને, બીજો બ્રાહ્મણને, ત્રીજો રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસો સાથે જમવો.’
બહેન બોલી : જેવી આપની આજ્ઞા !’
અહીં સ્મશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા. એટલામાં લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈને ત્યાં આવ્યાં અને કહેવા લાગ્યાં. માટે સતીનું મોઢું જોવું છે !’
લોકોએ કહ્યું : ‘માજી ! મૃતકમાં શું જોશો ?’
ડોશી તો ના કહેવા છતાં મૃતક પાસે ગયાં. મોઢાં ઉપરથી કપડું ખસેડી હાથ ફેરવ્યો ત્યાં તો શબમાં જીવ આવ્યો અને સતી જીવતી થઈ. લોકોને નવાઈ લાગી.
ભાઈઓના હરખનો પાર ન રહ્યો. બધા ડોશીને પગે લાગ્યા. ભાઈઓ બહેનને તથા ડોશીમાને લઈને ઘરે ગયા.
ડોશી કહે : ‘તમે સ્વર્ગમાં જશો, ત્યારે મારે તો ભીખ જ માગવી પડશે ને ?’
બહેન કહે : જઈશ ત્યારે સાથે લઈ જઈશ, બસ ?
થોડા દિવસ થયા ને બહેન માંદા પડ્યાં. ધર્મરાજાના દૂતો તેડવા આવ્યા. બહેન મરી ગયાં ! ડોશીમાને પણ સાથે લેતાં ગયાં. ઓચિંતા ઘરમાં દીવા થયા.
કુંકુમનાં પગલાં પડ્યાં.
મોતીના સાથિયા પૂરાયા.
હવે બધાં સમજ્યાં કે સાચેસાચ બહેન સ્વર્ગે ગયાં !
બહેનને તો ધર્મરાજાનું વ્રત ફળ્યું.
જય ધર્મરાજા ! જેવાં બહેનને ફળ્યા એવાં અમને કળજો !
લેખક | લોકસંસ્કૃતિ |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 7 |
Pdf સાઇઝ | 0.1 MB |
Category | વ્રતકથાઓ |
ધર્મરાજાની વાર્તા, વ્રત કથા તથા પૂજા વિધિ – Dharmraja ni Varta PDF Free Download