મંગળાગૌરી પાર્વતી વ્રત કથા અને પૂજા વિધિ | Mangala Gauri Vrat In Gujarati

મંગળાગૌરી પાર્વતી વ્રત | Mangala Gauri Vrat Book/Pustak PDF Free Download

મંગળાગૌરી વ્રત પુજા વિધિ

વૈવિશાળ થયા પછી કન્યાએ શ્રાવણ માસના ચારે મંગળવારે આ વ્રત કરવું. આમ પાંચ વરસ સુધી આ વ્રત કરવાનું હોય છે.

લગ્ન થયા પછી સાસરે પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રત સુખ સંપત્તિ અને પતિનું આયુષ્ય વધારનારું છે. શ્રાવણના મંગળવારે પાર્વતીનું પૂજન કરવું અને મંગળાગૌરીની વાર્તા સાંભળાવી.

શ્રાવણ મહિનાના બધા મંગળવારે માતા પાર્વતીની-મંગળાગૌરીની પૂજા કરવી. પાટલા ઉપર તેમની સ્થાપના કરી. ઘઉંના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દીવેટ મૂકવી.

ઘી પૂરી દીવો સળગાવવો. સોળ બીલીપત્રો, સોળ પુષ્પો તથા સોળ જીરાના દાણા, સોળ ધરોનાં પાંદડાં, સોળ ધતુરાનાં પાંદડાં અને સોળ અઘેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરવું.

એકટાણું જમવું અને વાંસની છાબડીમાં ફળફૂલ અને માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરી. વિદ્વાનને દાન આપવું.

પુસ્તક નો એક મશીની અંશ

ધર્મપાળ નામનો એક બ્રાહ્મણ હતો. એક વાર તેણે દેવી મંગળાગૌરીનું પૂજન કર્યું. તેના પૂજનથી દેવી પ્રસન્ન થયાં અને ધર્મપાળને કહ્યું : હે ધર્મપાળ ! તેં શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું, તેથી હું પ્રસન્ન થઈ છું. તારે જે વરદાન માગવું હોય તે માગ.’

ધર્મપાળ બોલ્યો : માતાજી ! ‘મારે ધનધાન્યની ખોટ નથી, પરંતુ એક પુત્રની ઝંખના છે.’

મંગળાગૌરી બોલ્યાં : ‘ધર્મપાળ, તારા ભાગ્યમાં સંતાન જ નથી, તો પુત્રની વાત જ ક્યાં રહી ? છતાં અલ્પ આયુષ્યવાળો ગુણવાન પુત્ર, લાંબા આયુષ્યવાળો આંધળો પુત્ર અથવા તો વિધવા પુત્રી, આ ત્રણમાંથી હું ગમે તે એક માગ. જે માગીશ તે તને મળશે.’

ધર્મપાળ બોલ્યો : ‘માતાજી ! મને અલ્પ આયુષ્યવાળો પણ ગુણવાન પુત્ર આપો. જેથી મારી અને મારા પિતૃઓની સદ્ગતિ થાય.’

દેવી મંગળાગૌરીએ કહ્યું : ‘ધર્મપાળ જો ! પાસે આ આંબો છે. તેના ઉપરથી એક કેરી તોડી લે. ન પહોંચાય તો ગણપતિની ઘૂંટીમાં પગ ભરાવીને તોડી લે.’

તેણે એક કેરી તોડી લીધી પણ તેને લોભ લાગ્યો એટલે ત્રણ વાર ગણપતિની ઘૂંટીમાં પગ ભરાવી ભરાવીને ઉપર ચઢઢ્યો ને ત્રણ કેરીઓ તોડી.

આથી ગણપતિ ક્રોધે ભરાયા અને શાપ આપ્યો કે, જા સોળમે વર્ષે તારા પુત્રને સાપ કરડશે અને તે મૃત્યુ પામશે. ધર્મપાળના હાથમાં ત્રણ કેરીઓ હતી. તેમાંથી બે અદેશ્ય થઈ ગઈ અને માત્ર એક જ કેરી રહી.

ધર્મપાળ એક કેરી લઈને ઘરે આવ્યો અને પોતાની પત્નીને કેરી ખવડાવી. થોડા દિવસમાં તેની પત્ની સગર્ભા થઈ અને નવ મહિને તેને રૂપાળો પુત્ર જન્મ્યો.

ધર્મપાળે પોતાના પુત્રનું નામ શિવ પાડ્યું. શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો. દશ વર્ષે તેને જનોઈ દીધી અને તેને તેના મામા સાથે કાશીએ ભણવા મોકલ્યો.

મામો ભાણેજ કાશીએ જવા ચાલી નીકળ્યા. જતાં જતાં એક ગામ આવ્યું. ગામના પાદરે સરખી સહિયરો રમતી હતી.

તેમાં સુશીલા નામની એક ઘણી રૂપાળી છોકરી હતી. બીજી છોકરીઓ સાથે તેને કજીયો થયો, તેથી છોકરીઓ તેને રાંડ અભાગણી’ કહી ગાળો દેવા લાગી.

સુશીલાએ કહ્યું : ‘તમે ભલે ગાળો દો, રાંડ કહે હું રાંડવાની નથી. મારી બાએ મંગળાગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય. મંગળાગૌરીનો જ્યાં ધૂપ ફેલાય, કે દીવાનો પ્રકાશ ફેલાય ત્યાં પણ સુખ-શાન્તિ થાય.’

એક છોકરીએ પૂછ્યું : ‘બહેન ! એ વ્રત શી રીતે થાય ?’

સુશીલા બોલી : ‘શ્રાવણ મહિનાના બધા મંગળવારે માતા પાર્વતીની-મંગળાગૌરીની પૂજા કરવી. પાટલા ઉપર તેમની સ્થાપના કરી. ઘઉંના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દીવેટ મૂકવી. ઘી પૂરી દીવો સળગાવવો. સોળ બીલીપત્રો, સોળ પુષ્પો તથા સોળ જીરાના દાણા, સોળ ધરોનાં પાંદડાં, સોળ ધતુરાનાં પાંદડાં અને સોળ અઘેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરવું. એકટાણું જમવું અને વાંસની છાબડીમાં ફળફૂલ અને માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરી. વિદ્વાનને દાન આપવું.’

સુશીલાની વાત મામો ભાણેજ સાંભળી રહ્યા હતા.

મામાને થયું, જો સુશીલાનાં લગ્ન શિવ સાથે થાય તો તેના મૃત્યુની ઘાત ટળી જાય. તેઓ સુશીલાના પિતા પાસે ગયા અને કન્યાનું માગું કર્યું.

સુશીલાના પિતાએ કહ્યું : ‘મારી સુશીલાનું સગપણ હર નામના બ્રાહ્મણપુત્ર સાથે થયેલું છે, એટલે તમારી માગણી હું શી રીતે સ્વીકારું ?’

વાત સાંભળી મામો ભાણેજ નિરાશ થયા. તેમ છતાં એ જ ગામના તળાવ પાસે સુંદર સ્થળે રહેવા લાગ્યાં. થોડા દિવસમાં સુશીલાના લગ્ન લેવાયા. વિધિની ગતિ ન્યારી હોય છે. તેને કોઈ સમજી શકતું નથી.

દુર્ભાગ્યે હર રોગમાં ઘેરાયો, તેથી તેના મા-બાપ ચિંતામાં પડ્યાં, તેમણે શિવને જોયો એટલે શિવના મામાને કહ્યું : ‘ભાઈ ! તમારા ભાણેજને મારા હરની જગાએ ચોરીમાં બેસવા મોકલો તો સારું ; કારણ કે, તે વ્યાધિમાં સપડાયો છે.’

મામાએ હા, કહી અને શિવને લગ્નમંડપમાં બેસવા મોકલ્યો. સુશીલાનાં સ્વપ્ર ફળ્યાં. તેનાં લગ્ન શિવ સાથે થઈ ગયાં ! રાત્રે શિવ અને સુશીલા સૂતાં હતાં. શિવ ભરઊંઘમાં હતો.

તેવામાં સુશીલાંને સ્વપ્ર આવ્યું. સ્વપ્રમાં દેવી મંગળા ગૌરીએ કહ્યું : ‘સુશીલા ! ઊઠ તારા પતિને નાગ કરડવા આવ્યો છે. ઝટ દૂધનું વાસણ મૂકી દે, એટલે તે દૂધ પીને ચાલ્યો જશે.’

સુશીલા ઝબકીને જાગી. જુએ છે, તો કાળો નાગ ફૂંફાડા મારતો આવી રહ્યો હતો. ઝટ તેણે દૂધનું વાસણ નાગ આગળ મૂકી દીધું. નાગ દૂધ પીને ચાલતો થયો.

થોડીવારે શિવ જાગ્યો અને કહ્યું : ‘સુશીલા મને ભૂખ લાગી છે.’

સુશીલા ઘરમાં ગઈ અને રૂપાના થાળમાં લાડુ લઈ આવી. શિવે લાડુ ખાધા અને હાથ ધોઈ થાળમાં વીંટી મૂકીને કહ્યું : ‘લે થાળ મૂકી દે.’

‘ભલે.’ કહી સુશીલા થાળ મૂકી આવી. બીજે દિવસે હર સાજો થયો એટલે તે લગ્નની અધૂરી વિધિ પતાવવા આવ્યો.

સુશીલા તેને જોઈને કહેવા લાગી કે, હું જેની સાથે પરણી હતી તે આ વર નથી, માટે હું આની સાથે ઊભી નહિ રહું. સુશીલાના પિતા ચિંતામાં પડ્યા. હવે શું કરવું ! તેમણે શિવની શોધ કરવા માંડી.

શિવ અને તેના મામા તો વહેલી પરોઢે કાશીએ જવા નીકળેલા હતા. તેઓ કાશીમાં આવ્યા અને ભગવાન કાશીવિશ્વનાથનું પૂજન કરી આનંદ પામ્યા. રાત્રે તેઓ ધર્મશાળામાં સૂઈ રહ્યા.

ઊંઘમાં મામાને સ્વપ્ર આવ્યું : ‘જાણે ! યમદૂતો શિવનો પ્રાણ લેવા આવ્યા છે, પરંતુ મંગળાગૌરીએ તેમને મારીને પાછા કાઢ્યા છે…’ પણ આ વાત તેમણે મનમાં રાખી.

સુશીલાના પિતાએ શિવને ખોળવા આકાશ પાતાળ એક કર્યું, પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહિ ! આથી તેમણે સદાવ્રત ચાલુ કર્યું.

અતિથિઓ આવે ત્યારે સુશીલા તેમના ચરણ ધોતી, તેની મા પાણી રેડતી, ભાઈ ચંદન ચડાવતો અને તેના પિતા ભોજન કરાવી પાન આપતા. આમ સૌ કોઈને તેઓ આદરપૂર્વક જમાડતા.

શિવ અને તેનો મામો અહીં આવી પહોંચ્યા અને તળાવને કાંઠે બેઠા. એવામાં સુશીલાની દાસી પાણી ભરવાં આવી, તે જોઈ ગઈ અને ઘરે જઈ વાત કહી.

સુશીલાના પિતાએ તેમને તેડવા માટે હાથી ઘોડા મોકલી આદરપૂર્વક તેડાવ્યા. તેઓ ત્યાં આવ્યા એટલે સુશીલા શિવને ઓળખી ગઈ અને તે શિવના ચરણોમાં નમી પડી.

તેણે તેના માતા-પિતાને કહ્યું :‘આજ મારા પતિ છે. તેમના સાથે જ મારાં લગ્ન થયાં હતાં.’

સુશીલાનાં મા-બાપે તેને માટે કંઈક એંધાણી માગી, મારે શિવે જે રૂપાના થાળમાં પોતાની વીંટી મૂકી થાળ ગુપ્ત ઠેકાણે મૂકાવ્યો હતો, તે વાત સુશિલાએ કહી અને પેલો થાળ લઈ આવી.

થાળમાં શિવની વીંટી જોઈ તેમણે બધી વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને જમાઈ રૂપે સ્વીકારી લીધો. પુષ્કળ પહેરામણી આપી.

સુશીલાને શિવ સાથે વળાવી. સુશીલાએ મંગળાગૌરીનું વ્રત કરવા માંડ્યું. તેથી શિવ દીર્ઘાયુષ પામ્યો અને સૌ સારાંવાનાં થયા.

મંગળાગૌરી વ્રતનો આવો પ્રભાવ છે.

લેખકલોક સંસ્કૃતિ
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ5
PDF સાઇઝ0.1 MB
Categoryવ્રતકથાઓ
મંગળાગૌરી વ્રત કોને અને ક્યારે કરવાનું હોય છે?

વૈવિશાળ થયા પછી કન્યાએ શ્રાવણ માસના ચારે મંગળવારે આ વ્રત કરવાનું હોય છે. પાંચ વરસ સુધી આ વ્રત કરવાનું હોય છે. લગ્ન થયા પછી સાસરે પણ આ વ્રત કરી શકાય છે.

મંગળાગૌરી વ્રત શા માટે કરવામાં આવે છે.

મનગમતા પતિ ની પ્રાપ્તિ તથા પતિ ના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે.

મંગળાગૌરી પાર્વતી વ્રત | Mangala Gauri Vrat Book/Pustak PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!