પુરુષોત્તમ માસ વ્રત કથા અને પુજા વિધિ | Purushottam Mas Katha In Gujarati

પુરુષોત્તમ માસ કથા અને પુજા વિધિ | Purushottam Mas Katha Book/Pustak PDF Free Download

પુરુષોત્તમ માસ પુજા વિધિ

જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે ઘડાની સ્થાપના કરવી. આખો મહિનો અખંડ ઘીનો દીવો બાળવો.

સવારે વહેલા ઊઠીને નદીએ નહાવા જવું. નાહી ધોઈને ઘડાનું પૂજન કરવું. દીવાનાં દર્શન કરવા. પીપળાનું અને તુલસીનું પૂજન કરવું. આખો મહિનો એકટાણું ભોજન કરવું.

રાત્રે ભોંય પથારી કરવી. મહિનો પૂરો થયે બ્રાહ્મણને અબોટિયું, એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું.

પુરુષોત્તમ માસ વ્રત કથા

બ્રહ્મણ અને બ્રાહ્મણી હતા. સાતે કોઠાર ભરેલા. શરીરે સુખી પણ ઘરમાં છોકરો ન મળે. પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણી તો નિત્ય નદીએ નહાવા જાય.

નાહી ધોઈ પૂજન કરે પણ એમને ખાવાપીવાની અગવડ પડે. ‘વહુ હોય તો કેવું ? રસોઈ કરીને તો મૂકે ને ? એવો એમને નિરંતર વિચાર આવે, પણ વહુ ક્યાંથી લાવે ? છોકરો હોય તો વહુ આવે ને ?’

બ્રાહ્મણને બ્રાહ્મણીએ કહ્યું: ‘ગમે તે રીતે વહુ લાવો !’ બ્રાહ્મણ કહે : ‘વહુ ક્યાંથી લાવું ? છોકરો જોઈએ ને ?’

બ્રાહ્મણી કહે : ‘કોઈ પૂછે તો કહેજો કે છોકરો તો કાશીએ ભણવા ગયો છે.’

બ્રાહ્મણીએ તો ભાતું પોતું ભેગું કર્યું. બ્રાહ્મણે ખડિયો ભરીને રૂપિયા લીધા અને પરગામ જવા નીકળ્યો. બ્રાહ્મણ પૂછતો પૂછતો એક ગામ… બીજું ગામ એમ ચાલ્યો જાય છે

એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી. એ તો એને ત્યાં ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો : ‘મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. પુરુષોત્તમ માસ ઉતરે આવશે. માટે તમારી છોકરી મારા છોકરા સાથે પરણાવો.’

‘અરે ભાઈ ! છોકરા વિના છોકરી કોની સાથે પરણાવું ? છોકરીના બાપે કહ્યું. લેખણ સાથે ફેરા ફેરવો, ચોથો ફેરો અધૂરો રાખો. છોકરો આવે ત્યારે ફેરવીશું.’ છોકરીના બાપે હા, ભણી.

નવરંગી ચોરી બંધાવી. મંગળવાજાં વાગતાં થયાં અને છોકરી તો પરણવા બેઠી.

છોકરીને તો લેખણ સાથે ત્રણ ફેરા ફેરવીને પરણાવી દીધી. બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવ્યો. વહુ નિત્ય રાંધી આપે છે, બ્રાહ્મણ-બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે.

એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયાં. વહુ રાંધવા માટે દેવતા લેવા પડોશણને ત્યાં ગઈ. વહુએ કહ્યું : ‘કાકી રે કાકી ! મને દેવતા આપોને !’

પડોશણ બોલી : ‘કાકી શી ને સાસુ શી ! તારે વળી વર જ ક્યાં છે તને તો છેતરીની પરણાવી લાવ્યા છે. એ તો વાંઝિયા છે. એમને વળી છોકરાં જ ક્યાં છે ?’

પડોશણની વાતથી વહુ મુંઝાણી. એ તો ઘરે આવીને રડવા બેઠી. રોવાના ભાનમાં રસોઈ કરવાનું યે ભૂલી ગઈ. સાસુ સસરા નદીએ નાહીને આવ્યા.

વહુને રડતી જોઈને પૂછ્યું : ‘વહુ’ રડે છે કેમ ? શું થયું ?’

વહુએ બધી વાત કરી અને કહેવા લાગી : ‘તમારો દીકરો મને બતાવો !’

સસરાએ કહ્યું : ‘તું ધીરજ રાખ, છોકરો આવશે. અવશ્ય આવશે ?

સાસુએ તો સાતે કોઠારની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કંઈ કરતાં વહુનો જીવ ગોઠે છે ? વહુએ તો સાસુ-સસરા નહાવા ગયેલાં તે વેળા કોઠાર ઉઘાડ્યા.

પહેલો કોઠાર ઉઘાડ્યો તો અનાજનો ભરેલો. બીજો કોઠાર ઉઘાડ્યો તો વાસણકુસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાતજાતના વસ્ત્રોથી ભરેલો, ચોથો કોઠાર ઉઘાડ્યો.

તો સોના-રૂપાના ઘરેણાંથી ભરેલો, પાંચમો કોઠાર હીરામોતીથી ભરેલો !

વહુએ તો સાતમો કોઠાર ઉઘાડ્યો. ત્યાં તો આ શું ! દીવાના તેજથી આખો ઓરડો ઝગમગ ઝગમગ થઈ રહેલો અને દીવાને અજવાળે એક પુરુષ પોથી વાંચે ! કેવો પુરુષ !

પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડય કરેલી, ખભે જનોઈ પહેરેલી, રેશમી ઉપરણું નાખેલું અને પોથી ભણે.

વહુને જોતાં જ પેલો પુરુષ બોલી ઉઠ્યો : ‘ઓરડો બંધ કરો… કમાડ ભીડો… મારાં મા-બાપનાં વ્રત ભાંગશે. પુરુષોત્તમ માસ પૂરો થયે મને બોલાવજો. હું આવીશ અને તમારા સાથે ચોથું મંગળ વરતીશ ને પરણીશ.’

વહુએ ઝટ દઈને કમાડ ભીડ્યાં. એના મનમાં હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી.

પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું એટલે વહુ તો ઘરેઘરે નોંતરાં દઈ આવી.

થોડીવારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલવા લાગ્યા. વહુ કહે : ‘સાસુજી ચોરી બંધાવો ને ! આજે તો તમારો દીકરો આવવાનો છે ! ભૂલી કેમ ગયાં ? હજુ તો મારે ચોથું મંગળ વરતવાનુ અધૂરું છે.

સાસુ તો વિમાસણમાં પડી. છોકરો શો ને વાત શી ? એણે ભગવાનના ભરોસે ચોરી બંધાવી અને મંગળવાજાં વાગવા માંડ્યાં. બ્રાહ્મણો કહે : ‘હવે વર-કન્યા પધરાવો.’

સાસુને મુંઝાતી જોઈ વહુ બોલી : ‘કેમ મુંઝાવ છો ? તમે તો કહેતા હતાં કે, મારો છોકરો કાશી ગયો છે પણ તે સાતમા કોઠારમાં પોથી વાંચે છે. એમણે મને કહેલું : ‘મારું નામ પુરુષોત્તમરાય છે, મને છેલ્લે દહાડે બોલાવજો એટલે હું આવીશ.’

સાસુએ સાદ કર્યો : ‘બેટા પુરુષોત્તમરાય ! બહાર આવો ! ત્યાં તો નવાઈ જેવો બનાવ બન્યો.’ થોડીવારમાં ઓરડાંનાં બારણાં ઉઘડ્યાં. ચાખડિયો બોલવા લાગી અને પુરુષોત્તમરાય બહાર આવ્યા.

પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી અને લાલ ચાખડિયે ચઢેલા ! બ્રાહ્મણી તો પુરુષોત્તમરાયને ભેટી પડ્યાં અને એમને પરણવા બેસાડ્યા.

ચોથું મંગળ વરતાયું અને પાંચમે મંગળે પુરુષોત્તમરાય પરણી ઊઠ્યા. ઘરમાં આનંદ થઈ રહ્યો.

જય પુરુષોત્તમરાય ! જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા એવા અમને ફળજો !

લેખકલોક સંસ્કૃતિ
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ5
PDF સાઇઝ0.15 MB
Categoryવ્રતકથાઓ

પુરુષોત્તમ માસ કથા અને પુજા વિધિ | Purushottam Mas Katha Book/Pustak PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!