ગૌરીવ્રત કથા
(અષાઢની અજવાળી અગિયારશે આ વ્રત થાય છે. આ વ્રત પહેલવહેલું પાર્વતી-ગૌરીમાએ કરેલું એટલે ગોરમાનું વ્રત કહેવાય છે.)
અષાઢની અજવાળી પાંચમે ફળિયે ફળિયે કુમારિકાઓ ટોળે વળે. ઘરે ઘર આનંદ છવાઈ જાય.
સરખે સરખી સહિયરો સાથે નીકળે અને ગામની ભાગોળે જાય. ગોરમટી અને અડાયાં છાણાં લઈને ઘરે આવે.
વાંસની છાબડી કે રામપાતરમાં માટી અને છાણાનો ભૂકો કરી ખાતર પૂરે અને તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોળા એ સાત ધન વાવે.
કુંકુમના છાંટા નાંખી છાબડી પાટલા પર ગોઠવે. એક પછી એક દિવસ વીતે ને જવેરા વધતા જાય. જવેરાના બે વેત ઉંચા લીલાછમ ફણગા ફૂટ્યા હોય ! તે દિવસે કુમારિકાઓ વહેલી ઊઠી જારના સાંઠાનું દાતણ કરે અને સાથે મળી ગાતાં ગાતાં નદીએ નાહવા જાય.
મેં વરસે મેડી ચૂએ, ચંદ્રાસર લહેરે જાય જો.
માડી જાયો વીર મલપતો, નદીએ નાવા જાય જો.
નદીઓના ડહોળાં પાણી, સરોવર ઝીલવા જાય
ઝીલી કરીને ઘરે પધાર્યા, મોતીડે વધાવ્યા જો.
ભાઈ બેઠા જમવાને,ભોજાઈએ પહેર્યાં ચીર જો.
ચીર ઉપર ચુંદડી ને,ચોખલિયાળી ભાત જો.
ભાતે ભાતે ભડકલાં ને,જો જો વહુની જાત જો.
જાત ઉપર ઝાંખરાં ને, વે’લ ધડૂકી જાય જો.
વે’લમાં બેઠો વાણિયો ને,કાગળ લખતો જાય જો.
કાગમાં બે પૂતળીને,હસતી રમતી જાય જો.
અને આવતી વેળા…
ગોરમા ઉઘાડોને બારી, આવે છે સવા લાખ પુજારી,
એટલી પૂજારીમાં કોણ બા ઘરડેરાં, એટલી પૂજારીમાં ગોરબા ઘરડેરાં.
ઘરડેરાં પાસે શું શું રે માગે ?
ચોટલિયાળા વીરાજી માગે, ઘાટડિયાળાં ભાભીજી માગે.
આમ હસતાં રમતાં ઘરે આવે. આપ્યા પછી કંકાવટીમાં કુંકુમ ઘોળીને જવેરાનું પૂજન કરે.
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો,
મારા કિયા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો. રે, જવ છે ડોલરિયો.
મારો ભાઈએ વાવ્યા મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.
મારા કિયા વહુએ સીંચ્યા રે જવ છે ડોલરિયો,
મારા… વહુએ સીંચ્યા રે જવ છે ડોલરિયો.
મારા જવના જવેરા રે, જવ છે ડોલરિયો
મારા કિયા બહેન પૂજશે રે જવ છે ડોલરિયો.
મારા…..બહેન પૂજશે રે, જવ છે ડોલરિયો.
એમને પાટલિયે બેસાડો રે, જવ છે ડોલરિયો.
ગોરમાનો વર કેસરિયો નદીએ નાહવા જાય રે ગોરમા !
વાંકી તે મૂકી પાઘડી છાંયડો જોતો જાય રે ગોરમા ! ગોરમાનો.
જરિયલ જામો પહેરતો ઠસમસ કરતો જાય રે ગોરમા ! ગોરમાનો.
ખભે તે ખેસિયું નાંખતો ડોલતો ડોલતો જાય રે ગોરમા ! ગોરમાનો.
હાથમાં તે વાંકી લાકડી ઠમ ઠમ કરતો જાય રે ગોરમા ! ગોરમાનો.
હાથમાં તે કેળાં કાકડી ચાવતો ચાવતો જાય રે ગોરમા ! ગોરમાનો.
પગે તે પીત્તળ પાવડી ઠપ ઠપ કરતો જાય રે ગોરમા ! ગોરમાનો.
ઝમ્મરે ઝાંઝરિયા લાલ ! ઊંચે ટીંબે કાંગ વાવી, ઝમ્પ રે.
કાંગ હું તો હોંશે લાવી, ઝમ્પ રે ઝાંઝરિયા લાલ !
કાંગના મેં પૂળા વાળ્યા, ઝમ્પ રે ઝાંઝરિયા લાલ !
પૂળા તો મેં નેવે ઘાલ્યા, ઝમ્મ રે ઝાંઝરિયા લાલ !
સાંજ પડી ત્યાં પૂળો સળગ્યો, ઝમ્પ રે ઝાંઝરિયા લાલ !
ભેંસ વિયાણી પાડો ભડક્યો, ઝમ્પ રે ઝાંઝરિયા લાલ !
હું તો થાળ ભરૂં શગ મોતીડે,
હું તો ગોરમાને પૂજવા જઈશ, મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
હું તો બેન રે કયી બેન તમને વિનવું,તમારી સાહેલિયો લેજો સાથ. મારે
હું તો થાળ ભરૂં રે શગ મોતીડે, હું તો પારવતી પૂજવાને જઈશ. મારે
હું તો બેન રે… બેન તમને વિનવું,તમારી સાહેલિયો લેજો સાથ. મારે૦
હું તો થાળ ભરૂં રે શગ મોતીડે, હું તો ગોરમાને પૂજવા જઈશ. મારે
હું તો ભાઈ રે કિયા ભાઈ તમને વિનવું, તમારા ભાઈબંધ લેજો સાથ. મારે
આમ સરખી સૈયરો મળી મનગમતાં ગીતો ગાય, ઘીનો દીવો કરે, ચોખા ચડાવે અને અગરબત્તીનો ધૂપ કરી એકટાણું મોળું જમે. તેમ છતાં ભૂખ લાગે તો ટોપરૂં, પતાસાં, ખારેક ખાય.
જમતી વેળા એક ઠેકાણે બેસીને જમાય, તે દિવસથી એકટાણું જમે, ભોંય પથારી કરે, ભૂખ લાગે તો ટોપરૂં ખાય, ફરીથી ખાવું હોય તો ચત્તા સૂઈ રહે.
ચત્તા સૂતાં હોય તો ઊઠીને ખવાય, પાસુ ફરી જવાય તો ખવાય નહીં. આમ ચાર દિવસ વીતાવે અને પાંચમે દિવસે તો આખી રાત જાગરણ કરવું પડે ! આખી રાત શી રીતે વીતાવવી? ગીતો ગાય, વરઘોડા કાઢે. જાતજાતની રમતો રમે.
સવાર થાયને ગોર્યોન વળાવવા નીકળે. નદી કે તળાવે જઈને ગોર્યમાને નમન કરી જળમાં પધરાવે.
ગૌરીવ્રત કથા, મોળાકત વ્રત | Gauri Vrat In Gujarati