વટસાવિત્રી વ્રત કથા, પૂજા વિધિ | Vat Savitri Vrat Katha In Gujarati

વટસાવિત્રી વ્રત કથા – Vat Savitri Vrat Katha PDF Free Download

Credit: Gujarat Samachar

વટસાવિત્રી વ્રત પૂજા વિધિ

જેઠ સુદ તેરશે આ વ્રતનો આરંભ થાય અને પૂનમેં પૂરું થાય.

ત્રણ દિવસ ઉપવાસ કરવા, બે દિવસ ફળ ખાઈને અને એક નકોરડો. ત્રણે દિવસ અબીલ, કુંકુમ, ચોખા, ફૂલ અને ફળ વડે વડનું પૂજન કરવું, ત્રણ દિવસ પછી વડને પાણી પાવું. સુતર લઈને વડની પ્રદક્ષિણા કરી, પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી.

ચોથા દિવસે રાત્રે વ્રત પૂરું કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને નમસ્કાર કરીને જમવું.

વટસાવિત્રી વ્રત કથા

આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા હતો. તેને મમતા નામે રાણી હતી.

રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો. એના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી હતી. રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો. એટલે એને કોઈ વાતે દુઃખ ન હતું. માત્ર એને સંતાનની ખોટ હતી.

નારદજીના કહેવાથી રાજા-રાણી બ્રહ્માજીની પરમશક્તિ ગાયત્રીનું (સાવિત્રીનું) વ્રત કરવા લાગ્યાં.

દેવી ગાયત્રી રાજા-રાણીની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થયાં અને બોલ્યાં : ‘હે રાજા ! હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. જે માંગવું હોય તે વરદાન માગો!’

રાજાએ કહ્યું : ‘દેવી, મારે સર્વ પ્રકારે સુખ છે, પણ સંતાનની ખોટ છે. મારે ત્યાં એક પુત્ર થાય અને વાંઝિયામે’ણું ભાંગે એટલી મારી ઈચ્છાછે.’

ગાયત્રીદેવીએ કહ્યું : ‘તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે.’ એમ કહી ગાયત્રીદેવી અંતર્ધાન થયાં !

થોડા દિવસોમાં રાણીને ચડતા દિવસ થયા. નવ મહિને તેને રૂપવાન કન્યાનો જન્મ થયો. માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું.

સાવિત્રી તો બીજના ચંદ્રની પેઠે દિવસે દિવસે વધવા લાગી. સાવિત્રીને સમજણી થયેલી જોઈને રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી.

સાવિત્રીનું રૂપ જોઈ દેવો પણ શરમાવા લાગ્યા, તો મનુષ્યની વાત જ શી ? કોઈ રાજા સાવિત્રીનું માંગુ કરવાનું સાહસ કરતો નથી અને રાજાની ચિંતા વધતી જાય છે !

એક દિવસ રાજાએ સાવિત્રીને કહ્યું : ‘બહેન !, તું હવે વિવાહ યોગ્ય થઈ છે, હજી સુધી કોઈ રાજાએ તારું માંગું કર્યું નથી, તો તું જ તારી મેળે કોઈ સદ્ગુણી, બળવાન અને રૂપવાન વરની શોધ કર.’

રાજાએ જોઈએ તેટલી સામગ્રી આપીને સાવિત્રીને સ્વયંવર માટે વિદાય કરી. રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરતા હતા.

એટલામાં નારદમુનિ ત્યાં આવી ચડ્યા. નારદમુનિને પોતાને ત્યાં આવેલા જોઈ, રાજાએ આદરસત્કારપૂર્વક આસન પર બેસાડ્યા.

એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી. તે પોતાના પિતાને તથા નારદજીને પગે લાગી, પાસે ઊભી રહી.

સાવિત્રીને જોઈ નારદજીએ પૂછ્યું : ‘રાજન્ ! સાવિત્રી તો હવે મોટી થઈ છે. એનાં લગ્ન કેમ કરતા નથી ? અરે સાવિત્રી ! તું કેમ કાંઈ બોલતી નથી ? તારી શું ઈચ્છા છે ?’

સાવિત્રીએ કહ્યું : ‘પાસેના આશ્રમમાં ઘુમત્સેન નામે એક રાજા છે, તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા આરોપી છે ; તેમને મેં સ્વામી રૂપે સ્વીકાર્યા છે.’

નારદજીને વાત સાંભળી નવાઈ લાગી. તેમણે રાજા અશ્વપતિને કહ્યું : ‘સત્યવાનનાં માતાપિતા સત્ય બોલનારાં છે અને સત્યવાન પણ હંમેશાં સત્ય પાળનારો છે. તે રૂપમાં, ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે, પણ એક વાત એવી છે કે, જેની આગળ બધા ગુણો હોવા છતાં યે નકામા છે !’

રાજા અશ્વપતિને ચિંતા થઈ તેમણે પૂછ્યું : ‘કહો, કહો મુનિરાજ ! એવી શી વાત છે ?’

નારદજીએ કહ્યું : ‘સત્યવાનના આયુષ્યમાં માત્ર હવે એક જ વરસ ખૂટે છે.’

આ સાંભળતાં જ રાજાને ઘણો આઘાત થયો. રાજાએ સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે સમજાવી. નારદજીએ પણ બીજો વર શોધી લેવાની શિખામણ આપી. પણ સાવિત્રી એકની બે ન થઈ !

એણે તો કહ્યું કે, કુલીન સ્ત્રીઓનું વચન એકજ હોય છે. મેં જેને હૃદયથી પતિ માન્યો એ જ ખરો ! હવે બીજો મારે ભાઈ સમાન છે ! જે ભાગ્યમાં હશે તે થશે ! જેવા વિધિના લેખ !’

સાવિત્રીની અડગ શ્રદ્ધા આગળ રાજાનું કાંઈ ન ચાલ્યું. નારદજી પણ તેમને સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપી ચાલતા થયા.

અશ્વપતિ સાવિત્રીને લઈ ઘુમસેનના આશ્રમમાં ગયા. ઘુમત્સેન એક ઝાડ નીચે બેઠા હતા. ત્યાં જઈ તેમને પગે લાગ્યા. આંખે આંધળા હોવાથી ઘુમત્સેને પૂછ્યું : ‘તમે કોણ છો ? કેમ આવવું થયું?’

અશ્વપતિએ કહ્યું : ‘હે રાજન્ ! મારું નામ અશ્વતપતિ છે. મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા આવ્યો છું.’ લગ્નની વાત સાંભળતાં ઘુમત્સેન બોલી ઊઠ્યા : ‘રાજન્ ! શું કહો છો ! તમારી પુત્રીનાં લગ્ન સત્યવાન સાથે !’

અશ્વપતિએ કહ્યું : ‘એમાં નવાઈ જેવું શું છે ? મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યવાનને પસંદ કર્યા છે.

ઘુમત્સેને ગંભીરતાથી કહ્યું: ‘રાજા, તમે જાણો છો કે, મારું રાજ્ય ઋક્ષ્મી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે ! હું આંધળો અને વૃદ્ધ હોવથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી ! હું વનમાં ઝૂંપડી બાંધીને પડી રહ્યો છું.

વનફળ ખાઈ ને દા’ડા વીતાવું છું ! મારો પુત્ર પણ વનનાં ફળો પર જીવે છે. મને આ સંબંધ યોગ્ય લાગતો નથી ! હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખ દેવા માગતો નથી.’

અનેક રીતે સમજાવ્યા છતાં સાવિત્રી લગારે ન ડગી. છેવટે ઘુમત્સેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રિ સાથે કર્યું. સત્યવાન અને સાવિત્રી હળીમળીને રહેવા લાગ્યાં.

સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી. નારદજીએ તેના પતિનું આયુષ્ય ટૂંકુ છે, એમ કહેલું. તે દિવસથી સાવિત્રી વેદમાતા સાવિત્રીનું વ્રત કરવા લાગી. પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે, એવો નિર્ણય કરી મનમાં દિવસો ગણવા લાગી.

હવે સત્યવાનના મૃત્યુને ત્રણ જ દિવસો ખૂટતા હતા. સાવિત્રીનું મન આકુળવ્યાકુળ થવા લાગ્યું ! એણે એક મન અને એક ચિત્તથી સાવિત્રી-વ્રત કરવા માંડ્યું. તે ગદ્ગદ્ હૃદયે રાત દિવસ માતા સાવિત્રીનું ધ્યાન ધરવા લાગી.

બે દિવસ વીતી ગયા ! આજે તો સત્યવાનનું મૃત્યુ હતું ! હંમેશના નિયમ પ્રમાણે સત્યવાન કુહાડો લઈને વનમાં લાકડાં કાપવા નીકળ્યો. સાવિત્રીની ઈચ્છા હતી કે, આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું.

એણે કહ્યું : ‘નાથ ! આજે એક વરસ થયું, છતાં તમે કોઈ દિવસ મને વન બતાવ્યું નથી. આજે મારી વન જોવાની ઈચ્છા છે.’

સત્યવાને કહ્યું : ‘મારી ના નથી, માતાપિતાની આજ્ઞા મળે તો ચાલો.’ સાવિત્રીએ સાસુ-સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી.

વનમાં જાતજાતનાં ઝાડવાં અને પશુપક્ષીઓનાં નામ પૂછતાં પૂછતાં સાવિત્રી પતિની સાથે ને સાસાથે ને સાથે ચાલતી હતી. બંને જણાં થોડે છેટે ગયાં, ત્યાં એક સૂકાયેલું ઝાડ હતું.

સત્યવાન કુહાડાથી ઝાડ કાપવા ગયો, પરંતુ સત્યવાને જેવો કુહાડો માર્યો તેવો જ તેના માથામાં ભારે સણકો આવ્યો, આંખે અંધારા આવવા લાગ્યાં અને ઘડીકમાં તો એ ભોય પર ઢળી પડયો |

સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ દાબવા લાગી.એટલામાં એક ભયંકર કાળા રંગવાળો, તેજસ્વી અને

વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો ! આવી ભયંકર આકૃતિ જોઈને પણ સાવિત્રી લેશ પણ ન ડરી.

સાવિત્રીએ પૂછ્યું : ‘તમે કોણ છો ? અને અહીં કેમ ઊભા છો ?’ આવનાર બોલ્યો : ‘હે પુત્રી ! હું યમ છું અને તારા પતિનું આયુંષ્ય પૂરું થવાથી, તેને લઈ જવા આવ્યો છું.’

સાવિત્રીએ યમરાજને ઓળખ્યા અને કહેવા લાગી : ‘હે યમરાજ ! મેં સાંભળ્યું છે કે, આપના દૂતો મનુષ્યને લેવા આવે છે, તો પછી આપ પોતે કેમ આવ્યા છો ?’

યમરાજા બોલ્યા : ‘સત્યવાન સદા સત્ય બોલનારો અને સદાચારી છે, એટલે એને લઈ જવો એ મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું એમ કહીને યમરાજાએ પાશ નાંખી સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યો.’

પ્રાણ ખેંચાયો ! સત્યવાનનો દેહ નિષ્પ્રાણ થઈને પડ્યો ! યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશાએ ચાલતા થયા.

પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું ! તેને મૂર્છા આવી ગઈ. ઘડીભર તો તેને યમરાજ પર ક્રોધ આવ્યો, પણ એમાં યમરાજા શું કરે ?

સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુ:ખી હૃદયે વિલાપ કરતી, યમરાજાની પૂંઠે પૂંઠે ચાલવા લાગી.

સાવિત્રીને પાછળ પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા : હે સાવિત્રી ! હવે પાછળ આવવું નકામું છે અહીં આગળ મનુષ્યોની સીમા પૂરી થાય છે.

તું અહીંથી આગળ આવી શકીશ નહીં, માટે પાછી વળ ! વિધિના લેખ મિથ્યા થતા નથી. માટે શોક કરવો નકામો છે. જા, પાછી જા અને તારા પતિની અંતિમક્રિયા કર.’

સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી : ‘મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે કે, જ્યાં જ્યાં મારા પતિ જાય, ત્યાં ત્યાં મારે સાથે જવું, હું સાથે જ રહીશ. તમે કહો છો કે મનુષ્યોની સીમા અહીં પૂરી થાય છે, પણ મારા પતિવ્રતધર્મના બળે, ગુરુભક્તિના બળે, મારા વ્રતના બળે અને તમારા કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી !’

વળી હે દેવ ! સાત પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે. હું તમારી સાથે સાત પગલાં ચાલી છું એટલે તમને મિત્રભાવે પૂછું કે જ્ઞાની પુરુષો મન, વચન અને કર્મથી ધર્મ પાળવાની શીખામણ આપે છે અને કહે છે, જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે ; તો પછી આપ મારો પતિવ્રત ધર્મ પાળતાં શા માટે અટકાવો છો ?’

યમરાજા બોલ્યા : ‘હૈ સાવિત્રી ! તારાં મધુર અને સત્યવચનોથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન વિના તારે જે વરદાન માગવું હોય તે માગ.’ સાવિત્રી કહે : મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવાં પ્રતાપી નેત્રો મળે તેવું વરદાન આપો.’

યમરાજા કહે : ‘સાવિત્રી ! બહુ ચાલવાથી થાક લાગશે. તું પાછી વળ. તારા કહ્યા પ્રમાણે તેમને નેત્રો મળશે.’ સાવિત્રી કહે : ‘પતિની સાથે સાથે ચાલવામાં થાક શાનો ? જ્યાં જ્યાં પોતાનો પતિ જાય ત્યાં ત્યાં જવું એ પ્રત્યેક નારીનો પરમધર્મ છે.

હે યમરાજ ! સંતપુરુષોનો સત્સંગ કદી નકામો જતો તો શું તમારો સત્સંગ નકામો જશે ?’ નથી,

યમરાજ કહે : ‘સાવિત્રી ! તે મને નમ્રતાપૂર્વક અને ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે. તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુગ્ધ થયો છું, તો તું તારા પતિના જીવન વિના જે માંગવું હોય તે ફરીથી માગ.’

સાવિત્રી બોલી : ‘હૈ યમરાજા ! મારા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો !’

યમરાજ બોલ્યા : ઘુમત્સેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાનો ધર્મ પાળશે. હવે તું પાછી જા !

સાવિત્રી બોલી : હૈ યમરાજા ! તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે. સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી અને શરણે આવેલાની રક્ષા કરવી એ માનવીનો પરમધર્મ છે ; એવો તમે ઉપદેશ આપો છો, તો હું પણ આપને શરણે છું. તમે મારી રક્ષા કરો.’

યમરાજા બોલ્યા : ‘તારાં પવિત્ર વચનો સાંભળતાં મારી તરસ છીપાતી નથી. ખરેખર એમ થાય છે કે, તારી પાસેથી ધર્મવચનો સાંભળ્યા જ કરું. હું તારાં પર અત્યંત પ્રસન્ન છું.

તારા પતિના જીવન વિના જે જોઈએ તે ત્રીજું વરદાન માગ.’ સાવિત્રી બોલી : ‘હે યમરાજ ! મારા માતા-પિતાને પુત્ર નથી, તો તેમને સો પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે. એવું મને વરદાન આપો.’

યમરાજ કહે : ‘જા તારા માતા-પિતાને સો પ્રતાપી પુત્રો થશે ! હવે તું પાછી જા ! કારણ કે તું ઘણી દૂર આવી છે.’

સાવિત્રી બોલી : હે યમરાજા ! મારા પતિ અને આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને દૂર લાગતું નથી. સત્પુરુષોનાં હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે. હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવું છું.’

યમરાજ કહે : ‘હે સતી ! તારા વચનોથી હું ઘણો પ્રસન્ન છું માટે તારા પતિના જીવન વિના જે જોઈએ તે વરદાન માગ.’ તું ઘણી જ દૂર આવી છે ! માટે પાછી જા !’

સાવિત્રી બોલી : ‘મને સો બળવાન પુત્રો થાય એવું વરદાન આપો !’

યમરાજ બોલ્યા : ‘જા તને સો બળવાન પુત્રો થશે.’ હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ.

સાવિત્રી બોલી : ‘હૈ યમરાજા ! સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે, સતી સ્ત્રીઓને પતિ એક જ હોય છે, સતી સ્ત્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામું છે, પતિ વિના લક્ષ્મી નકામી છે અને પતિ વિના જીવન પણ નકામું છે.’

યમરાજ કહે : ‘હવે તું પાછી જા. તારી વાણી સાંભળતાં હું થાકું તેમ નથી, પરંતુ તારે આવવાની શીષા ઘણી દૂર રહી ગઈ છે, માટે જે જોઈએ તે છેલ્લું અતિ ઉત્તમ વરદાન માગીને તું પાછી જા !’

સાવિત્રી બોલી : ‘તમારું વચન સત્ય થાય એ જ માગું છું. મને સો બળવાન પુત્રો થાય એવું તમે વચન આપ્યું છે, પણ જો તમે સત્યવાનને લઈ જશો તો મારે સો પુત્રો ક્યાંથી થશે ? માટે મારા સ્વામીને જીવતદાન આપી, નહી તો તમારું વચન મિથ્યા જશે !’

યમરાજ બોલ્યા : ‘હે ભદ્રે ! હે સતી ! હું તારા પતિને જીવતદાન આપું છું. જા ! તારા સ્વામીને લઈ જા ! તારા સ્વામીનું આયુષ્ય ચારસો વર્ષનું થશે.’

યમરાજના આશીર્વાદ લઈને સાવિત્રી પાછી વળી. જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ હતો, ત્યાં તે આવી, સત્યવાનનું માથું તેણે ખોળામાં લીધું, થોડીકવારમાં સત્યવાન જાગી ઊઠ્યો, આળસ મરડીને બેઠો થયો ! તે જોઈ સાવિત્રીનું હૃદય આનંદથી ડોલી ઊઠ્યું.

સત્યવાને કહ્યું : ‘હૈ પ્રિય ! આજ તો મને એક સરસ સ્વપ્ર આવ્યું. તેમાં મેં તારો અને યમરાજનો સંવાદ જોયો.’ સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું કે, સ્વામી તમારું એ સ્વપ્ર સાચું હતું.

અહીં સત્યવાનના પિતાએ દોડાદોડ કરી મૂકી ! તેઓ વિચાર કરવા લાગ્યા કે, હજી સત્યવાન અને સાવિત્રી ઘરે કેમ ન આવ્યા ? એમણે ચારે દિશાએ ખોળાખોળ કરી મૂકી, પણ આ શું ? અચાનક તેમનાં અંધનેત્રો ઉઘડી ગયાં. તેઓ દેખતા થયા ! તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.

આંખો મળ્યા પછી તો તેમને પુત્ર અને પુત્રવધૂને જોવાની આતુરતા વધી ગઈ ! થોડીવારમાં સત્યવાન અને સાવિત્રી આવી પહોંચ્યાં અને માત-પિતાને પગે લાગ્યાં. ઘુમત્સેનને હવે શાન્તિ થઈ.

સત્યવાને બધી વાત કહી. પિતાને આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે, એમ તેમને સમજાવ્યું. ઘુમત્સેન તો સાવિત્રીના માથે હાથ ફેરવવા લાગ્યા.

એટલામાં એક દૂત આવ્યો, એણે સમાચાર આપ્યા કે, આપણું રાજ્ય દુષ્ટ ઋકમીએ પડાવી લીધું હતું. તેના પર બીજા રાજાએ ચડાઈ કરી પાછું મેળવ્યું છે. તેઓ આપને આપનું રાજ્ય સંભાળી લેવા બોલાવે છે. ઘુમત્સેન સત્યવાન અને સાવિત્રીને સાથે લઈ ત્યાં ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા !

ગાયત્રી માતાની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીના પિતાને સો બળવાન પુત્રો થયા.

સાવિત્રી પણ સો પુત્રોની માતા થઈ. એવો વટ-સાવિત્રી વ્રતનો પ્રભાવ છે.

લેખકલોકસંસ્કૃતિ
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ9
PDF સાઇઝ0.1 MB
Categoryવ્રતકથાઓ

વટસાવિત્રી વ્રત કથા – Vat Savitri Vrat Katha Book/Pustak PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!