બોળચોથ વ્રત કથા | Bahula Chaturthi PDF In Gujarati

બોળચોથ – Bol Chauth And Bahula Chaturthi PDF Free Download

બોળચોથ સંપૂર્ણ વ્રત કથા

(શ્રાવણ માસના વદ ૪ના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી. બોળચોથની કથા કરવી. વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દિવો કરીને દીવાની સામે વાંચવી. આ દિવસે છડેલું અનાજ ખાવું નહિ.)

સાસુ અને વહુ હતાં. શ્રાવણની અંધારી ચોથ આવી. સાસુ નદીએ નાહવા નીકળી. જતાં જતાં કહેતી ગઈ : ‘વહુ ! આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો.’

એમના ઘરમાં એક ગાય હતી. ગાયના ઘઉંવર્ણા વાછરડાનું નામ ‘ઘઉંલો’ હતું.

વહુએ વાછરડાને ખાંડણીઆમાં ખાંડી, હાંડલામાં ઘાલીને ચૂલે ચડાવ્યો. વહુ ભોળી હતી, સાસુએ કહ્યું કાંઈને સમજી કાંઈ. સાસુએ તો ઘઉંલો-ખીચડો રાંધવા કહ્યું, ત્યારે વહુએ વાછરડો રાંધ્યો !

સાસુએ નદીએથી આવીને પૂછ્યું : ‘વહુ ! ઘઉલો ચડાવ્યો ને?’

વહુ બોલી : ‘ચડાવ્યો તો ખરો, પણ શું ઉધમાત કર્યો છે ! શું ઉધમાત કર્યો છે : ઘણો જોરાવર ! તાણ્યો તણાય નહિ ! કાપ્યો કપાય નહિ ! શું ભાંભરડે ! માંડમાંડ ખાંડ્યો છે !’

સાસુના પેટમાં ફાળ પડી. તે બોલી ઊઠી : ‘વહુ તે શું કર્યું ? ક્યા ‘ઘઉંલા’ની વાત કરે છે ?’

વહુ બોલી : ‘આપણી ગાયનો ઘઉંલો ! એમાં અકળાવ છો શું ? તમે જ કહ્યું હતું ને !’

સાસુ તો સાંભળતાં જ આભી બની ગઈ. તે બોલી : ‘અરેરે વહુ, આ શું કર્યું ! સાસુની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યાં.

આજે બોળચોથ હતી. બધાં વાછરડાની પૂજા કરવા આવવાનાં હતાં. એમને મોઢું શી રીતે બતાવવું ?

સાસુએ ઘઉંલાને હાંડલામાં ઘાલ્યો. હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચઢાવ્યું અને ચાલી નીકળ્યાં. તેઓ છાનાંમાનાં ગામની બહાર ગયાં અને હાંડલું ઉકરડમાં દાટી દીધું.

ઘરે આવી કમાડ ભીડ્યું. આગળો વાસ્યો, સાસુ વહુ ગુપચુપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યાં. ગાય સીમમાં ચરવા ગયેલી, ત્યાં તેને જાણ થઈ. ગાય તો ભાંભરતી ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડી !

દોડતાં દોડતાં ગાયે ઉકરડામાં શીંગડું માર્યું. શીંગડું મારતાં જ હાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાછરડો કૂદીને ઊભો થયો !

ગાય વાછરડાને ચાટવા લાગી. વાછરડો ગાયને ધાવવા માંડ્યો

એકરંગી ગાય ને વાછરડો બીજે ક્યાંય ન હતાં, એટલે પૂજનટાણે બધી ગોરણીઓ એક પછી એક ઘઉંલાને પૂજવા આવી, પણ જુએ તો ઘર બંધ ! અંદરથી આગળો ભીડેલો !

એકે બૂમ અલી ! ઘરમાં શું કરો છો ? કમાડ ઉઘાડો પાડી: ને ! અમે પૂજન કરવા આવ્યાં છીએ.’

ન તો કમાડ ઉઘડ્યું કે, ન તો ઉત્તર મળ્યો. એટલામાં ગાય વાછરડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભી રહી.

ગળામાં હાંડલાનો કાંઠલો ને વાછરડો તો બચબચ ધાવવા વળ્યો.

બીજી ગોરણી બોલી : ‘અલી ! વાછરડો ધાવી જાય છે ! કમાડ ઉઘાડો ને !’

ત્રીજી ગોરણી બોલી : આજે પૂજનના દહાડે વાછરડાના ગળામાં હાર હોય કે કાંઠલો ?’

ઘરમાં સાસુ-વહુ વિચાર કરવા લાગ્યાં કે, બધાં આપણને કેવા મે’ણા દે છે ! વહુએ કમાડની તરડમાંથી જોયું, તો સાચે જ ઘઉંલો ગાયને ધાવતો હતો !

વહુએ કહ્યું : ‘જુઓ જુઓ ! ઘઉંલો જીવતો છે.’ સાસુએ ઘઉંલાને જીવતો જોઈ ફટ દઈને કમાડ ઉઘાડ્યું. સાસુ-વહુ બહાર આવ્યાં. બધાંને બનેલી વાત કહી.

ગોરણીઓને કહ્યું : “બહેન ! તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉંલો સજીવન થયો.’

ગોરણીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું : ગાય માતા ! સત તમારું, વ્રત અમારું.’

તે દિવસે એમણે નિમ લીધું : ‘વરસો વરસ બોળચોથનું વ્રત કરવું. તે દહાડે ખાંડવું નહિ. દળવું નહિ.

બોળચોથનું વ્રત જેવું ગોરણીઓને ફળ્યું, એવું અમને ફળજો !

લેખકલોકસંસ્કૃતિ
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ4
Pdf સાઇઝ0.6 MB
Categoryવ્રતકથાઓ

બોળચોથ વ્રત કથા – Bol Chauth And Bahula Chaturthi Book/Pustak PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!