એવરત જીવરત વ્રતકથા – Evrat Jivrat Vrat Katha PDF Free Download
એવરત જીવરત વ્રત પૂજાવિધિ
નવ પરોતર પરણ્યા પછી પહેલા અષાઢની વદ ૧૩થી આ વ્રત લે અને અમાસે વ્રત પૂરું કરે. આ વ્રત કરનાર ઉપવાસ કરે, સવારે નાહી ધોઈ મંદિરે જઈ એવરત-જીવરત નામની દેવીઓનું પૂજન કરે.
દિવસે માત્ર ફળફળાદિ ખાય અને રાત્રે જાગરણ કરે, આ વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવાય. ઘણું કરી આ વ્રત કરનાર પતિના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરે છે.
એવરત જીવરત વ્રતકથા
બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતાં.
તેઓ બધી વાતે સુખી, પણ સંતાન વિના એમનું મન ચિંતામાં બળ્યા કરે.
બ્રાહ્મણ તો તપ કરવા નીકળ્યો. ગામથી દૂર ઘોર વનમાં ગયો. ત્યાં તેણે મહાદેવનું એક દહેરું જોયું. બ્રાહ્મણ દહેરામાં ગયો. છ દિવસ થયા, છતાં મહાદેવજી પ્રસન્ન ન થયા.
એટલામાં ત્યાં એક પારધી બકરું લઈને આવ્યો, એણે તો જય મહાદેવજી ! કહીને બકરાના ગળા પર તલવારનો ઝાટકો દીધો.’
મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા : ‘માગ માગ ! માગે તે આપું ! પારધીએ કહ્યું : ‘ભગવાન, મારે સાત છોકરા જોઈએ.’ મહાદેવજી કહે : ‘જા, તારે સાત છોકરા થશે.’
પારધી વરદાન લઈ ચાલતો થયો.
બ્રાહ્મણ વિચારમાં પડ્યો કે, હું આટલી બધી ભગવાનની ભક્તિ કરું છું, છ દિવસથી તો મેં અનાજ પણ ખાધું નથી, છતાં ભગવાન પ્રસન્ન ન થયા ! અને પારધીએ ન કરવાનું કામ કર્યું, તો યે ઘડીકમાં પ્રરાન્ન થયા !
શું ભગવાનના ઘરે અન્યાય જ હશે ? એણે તો મહાદેવજીની પિંડી ઉપર માથું પછાડી મરી જવાનો નિશ્ચય કર્યો. બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે.
તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને કહ્યું : ‘હે બ્રાહ્મણ ! આપઘાત શીદ કરે છે જોઈએ તે માગ.’ બ્રાહ્મણ બોલ્યો : ‘પ્રભુ ! હું નિત્ય તમારી સેવા કરું છું, છતાં મારે ઘરે પારણું નહિ અને પેલા પારધીને એક ઘડીમાં સાત છોકરા !’
ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને કહ્યું : ‘જો, પેલો છાણનો પોદરો ! કેટલા કીડા ખદબદે છે ? પારધીને સાત છોકરા આપ્યા પણ એવા જાણજે. જા, તારે એક છોકરો થશે. છોકરાને પૂરું ભણાવજે. ભણી રહ્યા પહેલાં પરણાવીશ નહિ.’
બ્રાહ્મણ તો ઘરે ગયો. થોડા દિવસે બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. એક માસ, બે માસ, ચાર માસ, આઠ માસ ને નવ માસે બ્રાહ્મણીને તો દૂધ જેવો રૂપાળો છોકરો જન્મ્યો. એ તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો.
છોકરો પાંચ વરસનો થયો ને નિશાળે મૂક્યો. બધા નિશાળિયા કરતાં એ ભણવામાં ઘણો જ ચપળ. જે વાંચે તે ધ્યાનથી વાંચે. એને તો બધા પાઠ મોઢે જ થઈ જાય.
આમ છોકરો બાર વરસનો થયો. ગામેગામથી છોકરાના સગપણ માટે નાળિયેર આવવા માંડ્યા. બ્રાહ્મણનો જીવ ઝાલ્યો ન રહ્યો. છોકરાનું સગપણ કરીલગ્નનું મુહૂર્ત કઢાવ્યું અને જાન જોડી.
કાકા, મામા, સંબંધી સાથે જાન ઉપડી. છોકરાને પરણાવી જાન પાછી વળી. જાન અડધામાં આવી. ત્યાં તો અષાઢ માસની અમાસ, અંધારી રાત અને વાદળાં ચઢ્યા !
વીજળી ઝબૂકવા લાગી, જોતજોતામાં મેઘ મૂશળધાર તૂટી પડ્યો, વરસાદના પાણીમાં બળદ થંભી ગયા. ગાડાં ચાલતાં બંધ પડ્યા !
બધાં નીચે ઊતરીને ચાલવા માંડ્યાં. એવામાં ઓચિંતાનો વરના પગે સાપે ડંખ દીધો ! વર તો ‘ઓ બાપ રે !’ કહી કારમી ચીસ નાખી ધરતી પર ઢળી પડ્યો.
બધા થંભી ગયા. વીજળીના ઝબકારે જૂએ છે, તો મોટો કાળોતરો નાગ સડસડાટ ચાલ્યો જાય છે ! થોડીવારમાં વરનું શરીર લીલું છમ થઈ ગયું ! આંખો ફાટી ગઈ, મોઢે ફીણ આવ્યાં અને દેહમાંથી પ્રાણ પંખેરું ઊડી ગયું !
બધાએવિચાર કર્યો, જે થનાર હતું તે થયું, પણ હવે શું કરવું? જો આપણે અહીં બહુ વાર રહીશું તો જીવથી જઈશું ! શબની કાલે સવારે આવીને વ્યવસ્થા કરીશું. એમ કહી બધાં ચાલતાં થયાં ! છોકરાનાં મા બાપ પણ રડતાં રડતાં ચાલતાં થયાં !
વહુને ઘણીઘણી વિનવણી કરી, પણ વહુ એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને ભયાનક વનમાં, વરસતા વરસાદમાં ભીંજાતી એકલી બેઠી.
એણે વિચાર કર્યો કે, મારા જીવનો તો ભય નથી, પણ મારા પતિના શબને વાઘ-દીપડાં ખેંચી જશે તો અવગતિ થશે ! એણે તો શબને ખભે ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા માંડી !
ત્યાં એકાએક વીજળીનો ઝબકારો થયો. એના અજવાસમાં છેટે એક દહેરું દેખાયું, વહુ શબને લઈ દહેરામાં પેઠી અને અંદરથી સાંકળ ભીડી. મધરાત થઈ અને એવરતમા આવ્યા. જુએ છે, તો દહેરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી !
એવરતમા બોલ્યાં : ‘મારા દહેરામાં કોણ છે ? ભૂત છે ? પ્રેત છે ? પિશાચ છે ?’
વહુનું કાળજું કંપી ઊઠ્યું ! ધ્રૂજતાં ધ્રૂજતાં કમાડ ઉઘાડ્યાં. એવરતમાને જોતાં જ વહુ બોલી : ‘માતાજી ! ખમા કરો ! હું ભૂત નથી, પ્રેત નથી, દુઃખિયારી સ્ત્રી છું. દુઃખની મારી તમારે આશરે આવી છું. પરણીને આવતાં મારા સ્વામીને સાપ ડસ્યો.
માતાજી ! મારા સ્વામીને જીવતા કરો ! બોલતાં બોલતાં વહુનો કંઠ રૂંધાઈ ગયો !’
એવરતમા બોલ્યાં : ‘તારા ધણીને જીવતો કરું, પણ મારું કહ્યું કરીશ ?’
વહુ બોલી : ‘તમે જે કહેશો તે કરીશ.’ એટલું કહેતામાં શબે પાસું ફેરવ્યું.
બીજો પહોર થયો ને જીવરતમાં આવ્યા દેહરાનાં કમાડ બંધ જોઈને પૂછ્યું : મારા દહેરામાં કોણ છે ? ભૂત છે ? પ્રેત છે ? કમાડ ઉઘાડ નહિ તો બાળીને ખાખ કરીશ.
વહુએ કમાડ ઉઘાડ્યું. જુએ છે તો જીવરતમા ! વહુ બોલી : ‘હું ભૂત નથી, પ્રેત નથી, દુઃખીયારી સ્ત્રી છું !મારા સ્વામીના શબનું રખવાળું કરું છું. માતાજી, મારા સ્વામીને સજીવન કરો !’
જીવરતમા બોલ્યા : ‘તારા સ્વામીને જીવતો કરું, પણ મારું કહ્યું કરીશ ?’
હા માડી ! જે કહેશો તે કરીશ.’ એટલું કહેતામાં શબે બીજું પાસું ફેરવ્યું.
ત્રીજો પહોર થયો ને જયામા આવ્યાં. એમણે પણ દહેરું બંધ જોઈને પૂછ્યું : ‘મારા દહેરામાં કોણ છે ? કમાડ ઉઘાડ નહીં તો બાળીને ખાખ કરીશ.’ વહુએ કમાડ ઉઘાડ્યું.
જયામા જુએ છે, તો એક શબ પડેલું. વહુએ જયામા આગળ પોતાના પતિને જીવતો કરવાની વિનવણી કરી.
જયામાં બોલ્યાં : ‘તારા સ્વામીને સજીવન કરું, પણ મારું કહ્યું કરીશ ?’
વહુએ કહ્યું : ‘માડી ! તમારો એક એક બોલ પાળીશ.’ એટલું કહેતામાં તો શબમાં શ્વાસ ચાલતો થયો.
ચોથા પહોરે વિજયામા આવ્યાં. એમણે દહેરું બંધ જોયું. એમણે પણ કમાડ ઉઘાડવા કહ્યું. વહુએ કમાડ ઉઘાડ્યું અને વિજયામાને પણ તેમના કહ્યા પ્રમાણે કરવાનું વચન આપ્યું.
વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાંટી ! ત્યાં તો વરરાજા સજીવન થયા ! વહુ તો હરખમાં ગાંડીઘેલી બની ગઈ.
વરે પૂછ્યું : ‘આપણે અહીં ક્યાંથી ! મને ભૂખ લાગી છે, તરસ લાગી છે.’ વહુએ પાણી પાયું અને દોડતી વનફળ લઈ આવી. જમ્યા પછી બંને જણાં કાંકરીઓ વીણીને રમવા માંડ્યાં. એટલામાં સવાર થયું.
ગાયોના ગોવાળની તેમના પર દૃષ્ટિ પડી તો વરવહુને કાંકરીઓ રમતાં જોયાં… ગોવાળે ગામમાં વાત કરી કે, દહેરામાં વર અને વહુ તો કાંકરીઓ રમે છે.
વરનાં માબાપ ગામમાં હતાં. એમને કાને વાત પહોંચી. બ્રાહ્મણ તો રોકકળ મૂકીને દહેરામાં આવ્યો. આવીને જુએ છે, તો પોતાના છોકરાને સજીવન દીઠો.
જાનનાં બધા માણસો ત્યાં આવી પહોંચ્યાં અને વર વહુને વેલમાં બેસાડી બળદ જોડ્યા. ઢોલ વાગતા થયા અને જાન ઉપડી, વરકન્યા ઘરે આવ્યાં. તેમની માએ વધાવી લીધાં.
વરવહુ તો આનંદમાં રહેવા લાગ્યાં. થોડા દહાડા વીત્યા ત્યાં તો વહુને છોકરો જન્મ્યો. કેવો રૂપાળો છોકરો ! જાણે ગુલાબનું ફૂલ !
મધરાત થઈને એવરતમા આવ્યા. તેમણે પૂછ્યું : ‘વહુ, ઊંઘે છે કે જાગે છે ?’ ‘જાણું છું માતાજી !’
‘મારો બોલ પાળીશને ?’ ‘હા જ તો.’ ‘તો લાવ છોકરો, મને આપ.’
વહુએ તો છોકરાને બોળોતિયામાં વીંટીને માતાજીને આપ્યો. માતાજી છોકરાને લઈને અલોપ થઈ ગયાં. સવારે સાસુ ઘોડિયામાં જુએ છે, તો છોકરો ન મળે !
સાસુએ પૂછ્યું : ‘વહુ ! છોકરો ક્યાં ગયો ?’ વહુ કહે : ‘હું શું જાણું ?’
વહુના આવા ઉત્તરથી સાસુને વહેમ પડ્યો કે રાત્રે એકલી મસાણમાં રહેલી, તો ના રે રાંડ ચૂડેલ થઈ હોય !
સાસુએ ફરી પૂછ્યું :‘વહુ ! છોકરો ક્યાં ગયો ? રાંડ ! ખાઈ તો નથી ગઈને ?” ગામમાં હાહાકાર વરતાયો !
વહુને તો બીજીવાર મહિના રહ્યા. નવ મહિને તેને છોકરો અવતર્યો.
સાસુએ તો ઓરડામાં ઘોડિયું મૂક્યું અને ઘોડિયા પાસે સૂઈ રહી.
મધરાત થઈને જીવરતમાં આવ્યા.
‘વહુ, ઊંઘે છે કે જાગે છે ?’
‘જાગું છું માતાજી !’ મારો બોલ પાળીશને ?’
‘હા જ તો.’ ‘તો લાવ તારો છોકરો !’
‘માજી ! છોકરો તો મારી ‘તું આપે છે તો ખરી ને ?’
‘હા જ તો.’
‘તો લાવ બાળોતિયું.’
વહુએ બાળોતિયું આપ્યું. સાસુ તો ઊંઘતી રહી ને જીવરતમાં છોકરાને લઈને અલોપ થઈ ગયાં ! એણે તો વહુને ચૂડેલ કહી ભૂંડી ગાળો દીધી.
વહુને ત્રીજીવાર મહિના રહ્યાં. નવ મહિને છોકરાનો જન્મ થયો.
સાસુએ વિચાર્યું : ‘રાંડ બે વાર છોકરાને ખાઈ ગઈ. આ વેળા તો આખીરાત ચોકી કરું.’ એણે ફળીનાં બધાં માણસો ભેગાં કર્યા. હાથમાં લાકડીઓ લઈને બધાં ચોકી કરે છે. મધરાત થઈને જયામા આવ્યા.
વહુને કહેવા લાગ્યાં : ‘વહુ, ઊંઘે છે કે જાગે છે ?’
જાગું છું માતાજી ! ‘મારો બોલ પાળીશને ?’
‘હા જ તો.’
‘તો લાવ તારો છોકરો !’
‘માજી છોકરો તો મારી સાસુ પાસે છે.’
‘તું આપે છે તો ખરી ને ?
‘હા જતો.’
‘તો લાવ બાળોતિયું.’
વહુએ બાળોતિયું આપ્યું.માતાજીએ ચોકી કરનારાઓની આંખોમાં ધોરણ મૂક્યું. બધાં ઘોરવા લાગ્યાં. માતાજી છોકરો લઈને ચાલતાં થયાં.
સવારે સાસુ જુએ છે, તો છોકરો ન મળે ! એ તો રોવા ને કળવા લાગી.
ગામમાં બધાને નવાઈ લાગી. વાત છેક રાજાને કાને પહોંચી. વહુને ચોથીવાર મહિના રહ્યા ને છોકરાનો જન્મ થયો.
આ વેળા તો રાજાએ પોતે ચોકી કરવાનું માથે લીધું. ચાર દિશાએ ચોકીઓ મૂકી. રાજા પોતે પણ ઘોડિયા પાસે ઉઘાડી તલવારે બેઠા.
મધરાત થઈને વિજયામા આવ્યાં. ‘વહુ, જાગે છે કે ઊંઘે છે ?’
‘જાણુ છું માતાજી !’
‘મારો, બોલ પાળીશ ને ?’
‘હા જ તો.’
‘તો લાવ તારો છોકરો.’
છોકરો તો મારી પાસે નથી, છોકરાની તો રાજા ચોકી કરે છે.’
‘તું તો આપે છે ને ?’
મારાથી ના કેમ કહેવાય ?’
‘તો લાવ બાળોતિયું.’
વહુએ બાળોતિયું આપ્યું ને માતાજી તો બધાંને ઊંઘાડીને છોકરો લઈને ચાલતાં થયાં. સવારે રાજા ઘોડિયામાં જુએ તો છોકરો ન મળે.
સાસુ તો માથું ને પેટ ફૂટવા લાગી : ‘રાંડ ચૂડેલ ! મારા ચાર છોકરા ખાઈ ગઈ ! રાજા પણ વિચારમાં પડ્યો.
પાંચમીવાર વહુને છોકરી થઈ અને એ જીવતી રહી ! વહુ કહે : ‘બાઈજી ! મારે તો ગોરણીઓ જમાડવી છે, આજે મારું વ્રત પૂરું થયું.’
સાસુ રાતીપીળી થઈ ને બોલી : ‘તને ફાવે તેમ કર. મને કાંઈ પૂછીશ નહિ. વહુ તો સવારે નાહીધોઈ દહેરામાં ગઈ.
ચારે દેવીઓને ચાંલ્લા કર્યા અને બોલી : ‘એવરતમા, જીવરતમા, જયમા, વિજયામા ! ચારે બહેનો મારે ત્યાં ગોરણીઓ થઈને જમાવા આવજો.’ સાંજ પડી એવરતમા, જીવરતમા, જયમા, વિજયામા ચારે બહેનો જમવા આવી.
તેઓ જમતાં હતાં, ત્યાં તો ઘોડિયામાં છોકરી રડી. માતાજી પૂછે છે : ‘છોકરી કેમ રોઈ !’
છોકરી કહે : ‘સૌને બબ્બે ભાઈ ને મારે એકે નહિ.’ ચારે માતાજીઓએ એક એક છોકરો આપ્યો.
વહુને તો ચાર દીકરા પાછા મળ્યા. ચારે માતાજીઓ દીકરા આપીને ચાલતાં થયાં. તે પછી વહુએ માંડીને બધી વાત કહી. હવે બધાં સમજ્યાં કે પોતાના સ્વામીને બચાવવા વહુએ ચાર ચાર છોકરાઓનો ભોગ આપ્યો ! બધાં વહુનાં વખાણ કરવા લાગ્યાં.
એવરતમા ! જીવરતમા ! જયામા ! વિજયામા! જેવાં નાની વહુને ફળ્યાં એવાં અમને ફળજો !
લેખક | લોકસંસ્કૃતિ |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 8 |
Pdf સાઇઝ | 0.1 MB |
Category | વ્રતકથાઓ |
એવરત જીવરત વ્રતકથા – Evrat Jivrat Vrat Katha PDF Free Download