શીતળા સાતમની વાર્તા – Sheetala Satam(Saptami) In Gujarati Book/Pustak PDF Free Download
શીતળા સાતમ ની પૂજા વિધિ
સાતમ ના દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી, જેથી સાતમ નો આગળ નો દિવસ એટલે કે છઠ્ઠ ના દિવસે બે દિવસ ની રસોઈ સાથે બનાવવામાં આવે છે.
આ સમયે રસોઈની વાનગી બનાવવા બાબતે કોઈ નિયમ નથી, ગૃહિણી બે દિવસ સારું(સ્વસ્થ) રહે તેવું બનાવી શકે છે.
શ્રાવણ વદ સાતમ(૭) ના દિવસે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીએ નહાવું. આખો દિવસ ટાઢું ખાવું. ચૂલો સળગાવવો નહિ અને શીતળામાની વાર્તા સાંભળવી.
શીતળા માતાને પ્રસાદી ચડાવવા કુલર(ઘઉંનો લોટ + ધી + ગોળ) બનાવવામાં આવે છે.
કુલર, દિવો, એક નાળીયેર સાથે શીતળા માતા ના મંદિરે દર્શન કરી પૂજા કરવી.
ગુજરાતના સૌરાષ્ટ્ર માં આ દિવસે ગામડામાં મેળો ભરાય છે.
શીતળા સાતમની વાર્તા કથા
એક ઘરમાં બે વહુઓ હતી.
રાંધણછઠનો દા’ડો આવ્યો. નાનીવહુને રાંધવા બેસાડી. નાનીવહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ. એટલમાં છોકરો રડ્યો. એટલે એ ધવરાવવા બેઠી.
આખા દહાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી, એટલે નાનીવહુને ઊંઘનાં ઝોંકા આવવા લાગ્યાં.
ચૂલો સળગતો રહી ગયો. મધરાત પછી શીતળામા ફરવા નીકળ્યાં.
નાનીવહુનાં ઘરે આવીને ચૂલામાં આળોટ્યાં. શીતળામા આખે શરીરે દાઝી ગયાં. એમણે શાપ આપ્યો ; ‘જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો !’ વહુ તો સવારમાં વહેલી ઊઠી. ચૂલો સળગતો હતો. ઘોડિયામાં જુએ છે, તો છોકરો ભડથું થઈને પડેલો, આખું શરીર બળેલું !
વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો શાપ લાગ્યો ! એ તો ચોધાર આંસુએ રડવા બેઠી.
જેઠાણીને તો ઘણા દહાડાની મનની દાઝ ઓલાણી. પણ સાસુને નાનીવહુ ઉપર અપાર હેત હતું, સાસુએ તેને ધીરજ બંધાવતાં કહ્યું : ‘આમ રડે શું વળશે ? શીતળામા પાસે જા, એ તારો છોકરો સજીવન કરશે.’
સાસુના આશીર્વાદ લઈ નાનીવહુ છોકરો ટોપલામાં નાંખી ચાલી નીકળી.
વાટે જતાં બે તલાવડી આવી. બન્નેનાં પાણી એક બીજામાં જતાં હતાં. બન્ને છલોછલ ભરેલી; પણ ચકલુંય પાણી બોટતું નહિ ! વહુને જતી જોઈને તલાવડીઓ બોલી : ‘બહેન ! તું ક્યાં જાય છે ?’
નાનીવહુ બોલી : ‘મને શીતળામાનો શાપ લાગ્યો છે ; મારો છોકરો મરી ગયો છે. હું શીતળામા પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું.’
તલાવડીઓ બોલી : બહેન ! અમારું પાણી પીશ નહિ. અમારું પાણી જે પીએ છે, તે મરી જાય છે ; એવાં અમે શાં પાપ કર્યાં હશે ? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે.’
આગળ જતાં વાટમાં બે આખલા મળ્યા. તેમની કોટે ઘંટીના પડ બાંધેલાં અને લડ્યા જ કરે !
વહુને જોઈ આખલા કહેવા લાગ્યા :‘બહેન ! તું ક્યાં જાય છે ?’
વહુ બોલી : ‘શીતળામા પાસે, શાપનું નિવારણ કરવા જાઉં છું.’ આખલા બોલ્યા : ‘અમે એવાં શાં પાપ કર્યાં હશે, કે અમારી લડાઈ અટકતી જ નથી ? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે.’
વહુ તો ચાલતાં ચાલતાં વનવગડામાં ગઈ. બોરડીના ઝાડ નીચે એક ડોશી બેઠાં હતાં. ઉઘાડું માથું ને ખંજવાળ્યા કરે.
વહુને જોઈ ડોશી કહેવા લાગી : ‘બહેન, ક્યાં જાય છે ? જરા મારું માથું જોતી જા ને ?’ વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી. ડોશીમાએ આશીર્વાદ આપ્યો.
ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ.
‘જેવું મારું માથું ઠર્યું, એવું તારું પેટ ઠરજો.’
આટલું કહેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો. છોકરો સજીવન થયો !
વહુને તો નવાઈ લાગી. હૈયામાં હરખ માતો નથી.
છોકરાને ઝટ દઈને ખોળામાં લઈ બચીઓ દેવા લાગી. વહુ ડોશીમાને પગે લાગી. એ સમજી ગઈ કે, આ જ શીતળામા !
વહુ હાથ જોડીને કહેવા લાગી. ‘મા ! તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો, નહિ તો થાત નહિ. શીતળામા ! મારું પેટ તમે જ ઠાર્યું.’
પછી વહુએ પૂછ્યું : ‘મને આવતાં વાટમાં બે તલાવડીઓ મળી. પાણીથી છલોછલ ભરેલી છે, પણ તેમનું પાણી કોઈ પીતું નથી. એવાં એમનાં શા પાપ હશે ?’
શીતળામા બોલ્યાં : ગયે ભવે બંને શોક્યો હતી. ઘરમાં રોજ કજીયો કરતી, કોઈને છાશ-શાક આપે નહિ અને આપે તો પાણી નાંખીને આપે. એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી. તું એમનું પાણી પીજે ! એટલે એમનાં પાપ દૂર થશે.’
વહુએ પૂછ્યું : ‘વાટમાં બે આખલા મળ્યાં. તેમની કોટે ઘંટીનાં પડ બાંધેલા હતા. તેઓ નિત્ય લડ્યા કરે છે પણ તેમને કોઈ છોડાવતું નથી. એવાં એમના શાં પાપ હશે ?’
શીતળામાં બોલ્યાં : ગયે ભવે એ બંને દેરાણી જેઠાણી હતાં. કોઈને દળવા ખાંડવા દેતાં નહિ ! એ પાપે એમની કોટે ઘંટીનાં પડ છે. તું એ પડ છોડજે.’
એમનું પાપ ટળી જશે.
વહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી. જતાં જતાં પેલા આખલા મળ્યા.
એમને શીતળામાની વાત કરી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યાં. બંને આખલા લડતા બંધ થયા. આગળ જતાં તલાવડીઓ આવી.
વહુએ શીતળામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું. તલાવડીઓ પશુઓ ને પંખીઓથી ભરાઈ ગઈ !
બધાં જ એમનું પાણી પીવા લાગ્યાં.
વહુ છોકરાને લઈને ઘરે ગઈ, સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયાં. પણ જેઠાણીના મનમાં વેર વધ્યું.
બીજા વરસે રાંધણછઠ આવી. જેઠાણીને થયું, હું પણ એના જેવું જ કરું. એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ.
રાત્રે શીતળામા આવ્યાં અને ચૂલામાં આળોટ્યાં. એમનું તો આખું શરીર દાઝી ગયું ! એમણે શાપ આપ્યો : ‘જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો !’ બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે, તો છોકરો મરી ગયેલો !
શીતળામાનો શાપ લાગ્યો. દેરાણીને પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાંખી ; ચાલી શીતળામા પાસે.
ચાલતાં ચાલતાં વાટમાં બે તલાવડીઓ આવી.
તલાવડીઓએ પૂછ્યું :બહેન, બહેન, ક્યાં જાય છે ?’
‘શીતળામા પાસે.’ ‘અમારો સંદેશો લેતી જા ને !’
જેઠાણી તો પારકી વેલ ઉલાળી મેલ’ ગણી ઠસ્સામાં બોલી: ‘હું કાંઈ તમારા જેવી નવરી નથી, મારે તો છોકરો મરી ગયો છે.’ આગળ જતાં બે આખલા મળ્યા. તેમણે પૂછ્યું : “બહેન, બહેન, ક્યાં જાય છે ?’
‘શીતળામા પાસે.’ ‘અમારો સંદેશો લેતી જા ને ?’
‘હું કાંઈ નવરી નથી.’ એમ કહીને આગળ ચાલવા માંડી. જેઠાણી તો દૂર વગડામાં ગઈ. વગડામાં એક બોરડી નીચે શીતળામાં ડોશીનું રૂપ લઈને માથું ખંજવાળતાં બેઠેલા !
તેમણે કહ્યું:બહેન, બહેન, ક્યાં જાય છે ?’
જેઠાણી કહે : ‘શીતળામા પાસે.’
ડોશી કહે : ‘જરા મારું માથું જોતી જા ને ?
જેઠાણી તો છણકામાં બોલી : ‘હું કાંઈ તારા જેવી નવરી નથી. મારે તો છોકરો મરી ગયો છે.
’આમ કહીને ચાલવા માંડી. આખો દહાડો રખડીને વગડાનાં ઝાડવે ઝાડવાં ગણી નાખ્યાં, પણ ક્યાંયે શીતળમા ના દીઠાં ! છોકરાનું શબ લઈને માથું કૂટતી ઘરે આવી.
જય ! શીતળામા જેવાં દેરાણીને ફળ્યાં એવાં અમને ફળજો.
લેખક | લોકસંસ્કૃતિ |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 6 |
PDF સાઇઝ | 0.2 MB |
Category | વ્રતકથાઓ |
શીતળા સાતમ દર વર્ષે શ્રાવણ વદ સાતમ(૭) ના દિવસે આવે છે.
શીતળા સાતમની વાર્તા તથા પૂજા વિધિ – Sheetala Satam(Saptami) In Gujarati Book/Pustak PDF Free Download