નાગ પાંચમ વ્રત કથા અને પૂજા વિધિ | Nag Panchami PDF In Gujarati

નાગ પાંચમ વ્રત કથા – Nag Panchami Vrat PDF Free Download

નાગ પાંચમ પૂજા વિધિ

શ્રાવણ વદ-૫, વ્રત કરનાર સવારે નાહી ધોઈને પાણિયારા પર નાગનું ચીતરામણ દોરી, ઘીનો દીવો કરી પૂજન કરે, બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવૈદ્ય ધરાવે, આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી અને અથાણું જમે.

આકાશમાં વિહરતા ગરુડ, ધરતી પર સરકી જીવસૃષ્ટિ સાપ કે નાગને પૂજવાની ભારતીય પરંપરા છે. શ્રાવણ વદ પાંચમના પવિત્ર દિને દેશ અને ગુજરાતમાં ઘેર-ઘેર શ્રદ્ધાપૂર્વક ભાવથી નાગપંચમી ઉજવવામાં આવે છે.

આ દિવસે ખાસ કરીને ઘરનાં પુરુષવર્ગ ઘરની પૂર્વાભિમુખ દિવાલ પર નાગ દેવતાની લાલ કંકુ કે કાળારંગથી આકૃતિ ચીંતરવામાં આવે છે. એ પછી રૂની દિવેટનાં હાર બનાવીને પ્રતિકૃતિ પર બન્ને છેડે ચોંટાડવામાં આવે છે, જે નાગલા કહેવાય છે.

ત્યારબાદ કંકુ-ચોખા ચઢાવીને નાગદેવતાની આરતી કરી પૂજન કરાય છે. શ્રીફળ પણ વઘેરાય છે. પુરુષો બાજરીનાં લોટની ઘી ગોળની કુલેરની લાડુડી બનાવી ફરાળ કરે છે, તથા તેનો પ્રસાદ વહેચાય છે.

પૂજન કરનારી ઘરની વ્યક્તિ કુલેરનાં આરોગીનો ફાળ કરે છે. મહારાષ્ટ્રનાં બે-તલ શિરોલે લાડુ તથા કાકડી ગામમાં નાગ પંચમીએ જીવતા નાગનું સરઘસ કાઢે છે, તો કેટલાક સ્થળોએ કુટુંમ્બનો સ્ત્રી વર્ગ પણ ટાઢું જમી, કુલેર ખાઈને ‘નાગપંચમી’નું વ્રત રાખે છે.

લોકો નાગને પિતૃ સમાન માની તેનું પૂજન કરે છે. જેથી પોતાનાં પરિવારનાં સભ્યોને જીવજંતુ કે સરિસૃપ વર્ગનું કોઈ પ્રાણી કરડે નહીં, તેમનાંથી સૌને રક્ષણ મળે, આજનાં પર્વે નાગનાં દર્શન પવિત્ર મનાયા છે. દેશમાં ખેતી કરનારો વર્ગ નાગપૂજા કરી, તેમનાં પાકને તેનાથી રક્ષણ મળે તેવી કામના કરે છે.

ગુજરાતમાં ચરમાલિયાનાગ (ચોકડી) વાસુકિનાગ (થાન) શેષનાગ (ડીસા-ઢીમા), ગોંગા નારાયણ (દાહોદ) ભૂજિયો ડુંગર (ભૂજ), અર્બુદાનાગ (અંબાજી- આબુ) નાગનાથ (જામનગર) શેષનારાયણ (સોમનાથ પ્રભાસ જાણીતા નાગતીર્થો છે.

નાગ-સર્પની પૂજા સર્વ ધર્મ સર્વ સંપ્રદાયોમાં કરવાનો રિવાજ છે.

‘ નાગ-સર્પને જેણે દેવગણી કર્યું નમન, તેનો દેશ પ્રાણી-પ્રેમ- અહિંસા શાંતિ અપનાવી બન્યો મહાન’

નાગ પંચમી વ્રત કથા

એક ડોશી હતી. ડોશીના ઘરમાં સાત દીકરા અને સાત વહુઓ હતી.

નાની – વહુને પિયરમાં કોઈ નહિ, એટલે બધાં તેને નબાપી…નપિ’રી કરી મે’ણાં દે. ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે ! સરાદના દા’ડા આવ્યા.

ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી. ઘરમાં બધાં પેટ ભરીને ખાઈપી ઊઠ્યાં. નાનીવહુને જમવા યે ન બોલાવી.

નાનીવહુને ચડતા દા’ડા હતા. તેને ખીર ખાવાનું ઘણુંયે મન થાય. પણ કરે શું ? સાસુ બોલી: ‘અલી નપિ’રી ! જોઈ શું રહી છે ? વધ્યું-ઘટ્યું ખાઈને વાસણ માંજી નાંખ ને ?’

નાનીવહુ ઊઠી, ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ ! એની આંખમાં પાણી આવ્યું. ભૂખ્યાં પેટે વાસણનો ખડકલો લઈને એ નદી ઉપર માંજવા ગઈ.

વાસણ માંજતાં માંજતાં તેની દૃષ્ટિ ખીરના તપેલામાં ગઈ. તેણે તાવેતો લઈને તપેલામાં ચોટેલા કપોડાં ઉખેડીને સાડલાને છેડે બાંધ્યા, એના મનમાં એમ કે, નાહી ધોઈને ખાઉં.

એટલામાં એક નાગણની દૃષ્ટિ સાડલામાં બાંધેલા કપોડાં ઉપર પડી. એને ય ચડતા દા’ડા હતા. એને ય ખીરનાં કપોડાંનો ભાવ થયો. એ આવીને ગુપચુપ ખાઈ ગઈ.

વહુ નાહીને આવી, સાડલામાં જોયું તો કપોડાં ન મળે ! નાગણ આ બધું સંતાઈને જોતી હતી. એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે.

પણ વહુ તો બોલી : ‘હશે કોઈ મારા જેવી દુઃખીઆરી. ભલે ખાઈ ગઈ, મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો.’ નાનીવહુએ ગાળો નહીં, આશીર્વાદ આપ્યા.

એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ ગઈ. વહુ પાસે આવીને એણે કહ્યું : ‘બહેન ! તારાં કપોડાં હું ખાઈ ગઈ છું. બોલ તને શું દુઃખ છે ?’

નાની વહુએ બધી વાત કરી : ‘મા, મારા પિયરમાં કોઈ નથી. એટલે બધાં મને મે’ણાં મારે છે. પૂરું ખાવા યે નથી આપતા.

અત્યારે મને સારા દા’ડા રહ્યા છે, મારો ખોળો ભરાવનાર પણ કોઈ નથી !’ આટલું કહેતામાં નાનીવહુની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. નાગણને દયા આવી.

નાગણ કહેવા લાગીઃ ‘ના, બેટી, તું રડીશ નહિ. આજથી અમને તારાં પિયરિયાં માનજે, જ્યારે તારો ખોળો ભરવાનો થાય, ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે.’

નાનીવહુના મનમાં હરખ માતો નથી. એને તો જાણે ધરમની મા મળી, એ તો રાજી થઈને ઘેર ગઈ. વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો !

ઘરમાં બધાં વાતો કરવા લાગ્યાં : ‘એને તો પિયરમાં સૂકું શિડયું ય નથી. એને વળી ખોળા શા ?’ નાનીવહુનો જીવ મૂંઝાણો. એણે સાસુને કહ્યું : ‘બાઈજી ! મારાં પિયરમાં દૂરનાં સગાં છે, કંકોત્રી તો લખી આપો !’

એક ઘરડી પડોશણ બોલી : ‘કટકો કાગળ લખવામાં શું જાય છે ? લખી આપો ને !”

કંકોત્રી લઈને વહુ પેલા રાફડા પાસે મૂકી આવી.

ખોળો ભરવાનો સમય થયો. સાસુએ ટોણો માર્યો : ‘ઝટ કરો ને ! ચૂલે આંધણ મેલો, હમણાં વહુનાં પિયરિયાં આવશે. પેટી ભરીને લુગડાં લાવશે !’

એટલામાં તો નાગણ, નાગદેવતા અને નાગકુમારો આવ્યા. પેટી ભરીને હીરનાં ચીર લાવ્યા, સોનાનાં ઘરેણાં લાવ્યા. જોઈને બધાંના મોં સીવાઈ ગયાં, ન કોઈ બોલે કે ચાલે ! ચૂલે તો સાચો સાચ આંધણ મૂક્યું.

નાગદેવતાઓએ કહ્યું : ‘અમારા માટે દૂધ મૂકો; અમે તો દૂધના પીનારા.’ દૂધના દેગડા ચૂલે ચડ્યા.

પાસેના ઓરડામાં દૂધનાં તપેલાં મૂક્યાં. નાગદેવતાઓ ચપ ર્ચપ દૂધ પી ગયા.

ખોળો ભરાવા માંડ્યો.

વહુને તો હીરનાં ચીર, સોનું-રૂપું, હીરા-માણેક જોઈએ તેટલું આપ્યું. સાસરિયાં છોભીલાં પડી ગયાં.

નાગદેવતા બોલ્યા : ‘હવે વળાવો ત્યારે ! સુવાવડ પછી સવા મહિને મૂકી જઈશું.’

વહુને વળાવી. નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા. તેમણે કહ્યું : ‘બહેન, ગભરાઈશ નહિ. અમારી પાછળ પાછળ ચાલી આવ.’

બધાં એક મોટા ભોંયરામાં ઉતર્યા.

ત્યાં જુએ છે તો મોટો રાજ-મહાલય દીઠો ! વહુ રાજીરાજી થઈ ગઈ, હીંડોળાખાટ પર બેસીને ઝૂલવા લાગી. તો નાગણ બોલી : ‘જો બહેન ! આ નાગકુમારોને તારા ભાઈ સમજજે.

ખા, પી ને આનંદ કર, પણ એક કામ તારે કરવાનું: સવારે બપોરે અને સાંજે ઘંટડી વગાડજે એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે, એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ.’

દિવસો વીત્યા ને નાનીવહુને દેવ જેવો દીકરો અવતર્યો. છોકરો તો દા’ડે ય વધે ને રાતે ય વધે ! એમ કરતાં કરતાં મોટો થયો.

એક દિવસે નાની વહુ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ. છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો. ત્યાં તેણે પેલી ઘંટડી જોઈ. છોકરાએ ઘંટડી વગાડી ; ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા.

નાગકુમારોને જોઈ છોકરો તો બીનો. તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. ઘંટડી બરાબર બે નાગકુમારોનાં પૂછડાં પર પડી, એટલે તેમનાં પૂછડાં કપાઈ ગયાં ! બીજા દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતું દૂધ. બાપડાઓનાં મોઢાં બળી ગયાં ! નાગકુમારોતો બાંડિયા અને બૂચિયા થઈ ગયા !

નાનીવહુ બહારથી આવીને જૂએ, તો રૂપાળા નાગકુમારો બાંડિયા અને બૂચિયા થઈ ગયા ! પણ શું કરે ? નાના છોકરાને શું કહે ? પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા: ‘અમે તારા છોકરાને કરડી ખાશું.’

એટલામાં નાગમાતા આવી પહોંચી અને નાગકુમારોને શાંત કર્યાં, પણ એમના મનમાંથી વેર ગયું નહી ! નાનીવહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો.

મનગમતી પહેરામણી આપી. સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતાં નાગમાતાએ કહ્યું : ‘તને દુઃખ પડે તો અહીં આવજે.’

સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી, પણ બીજી વહુઓના મનમાં થયું કે, આ માનિતી થઈ પડશે, એટલે બીજી વહુઓ એની પર વધારે રીસ કરવા લાગી.

હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે, અહીં આપણને નાગમાતાએ કરડતાં વાર્યા પણ ત્યાં કોણ વારશે ? એમ મનમાં ગાંઠ વાળી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા.

વહુ પાણીનું બેડું ભરીને આવી. ઊંબરામાં આવતાં ઠોકર લાગી, એટલે તેને પોતાના બાંડીયા-બૂચિયા ભાઈ સાંભરી આવ્યા.

તે બોલો : ‘ખમ્મા ઓ મારા બોડેયા-બૂચિયા વીર.’ નાગકુમારો તો વિચારમાં પડ્યા કે, બહેન હજી આપણને કેટલા સંભારે છે !

બીજે દિવસે નાનીવહુ પાણી ભરવા ગઈ, નાગકુમારો પણ છાનામાના સાથે ગયા, વહુને વાવને પગથિયે ઠેસ વાગી. નાનીવહુ ફરીથી બોલી ઉઠી : ખમ્મા ! મારા બાંડિયા-બૂચિયા વીર.’

નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા.

એક દિવસ મોટીવહુની દૂધની તાંબડી છોકરાએ રમતાં રમતાં ઢોળી નાંખી. એ તો લાલપીળી થઈ ગઈ અને છણકામાં બોલી: ‘અમારા રાંકનું દૂધ શીદ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરનાં છો, કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમે શું કરીશુ ?’

નાનીવહુને ખોટું લાગ્યું. તે છોકરાને લઈ ફરીથી નાગમાતાપાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કહી.

નાગમાતાએ એને બે દિવસ રાખી અને કહ્યું : ‘બેટી ! ચિંતા ન કરીશ. જા તું ઘરે જઈને વાડો કરાવ ! હું કાલે ગાયો મોકલોશ.

નાનીવહુએ ઘેર આવી વાડો કરાવ્યો, એટલામાં તો પેલા બાંડિયા-બૂચિયા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા. બહેનનો વાડો ગાયોથી ભરાઈ ગયો.

બહેન પેલા નાગકુમારોને ‘ભાઈ, ભાઈ !’ કહીને ભેટી પડી ! વાડો ભરાતાં વધેલી ગાયો તેણે જેઠાણીઓને આપી. જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ. આખા ઘરમાં આનંદ થઈ ગયો.

જય નાગદેવતા ! જય નાગમાતા !

જેવા નાનીવહુને ફળ્યાં, એવા અમને ફળજો !

લેખકલોક સંસ્કૃતિ
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ7
Pdf સાઇઝ0.6 MB
Categoryવ્રતકથાઓ
નાગ પંચમી વ્રત ક્યારે કરવામાં આવે છે ?

નાગ પંચમી શ્રાવણ વદ પાંચમ(૫) ના દિવસે દર વર્ષે મનાવવામાં આવે છે. જે અંગ્રેજી મહિના મુજબ ઓગસ્ટ ના અંત માં કે સપ્ટેમ્બર ના શરૂઆત માં હોય છે.

નાગ પાંચમ વ્રત કથા – Nag Panchami Vrat Book/Pustak PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!