જીવંતિકા માતા વ્રત કથા | Jivantika Maa Vrat Katha PDF In Gujarati

જીવંતિકા માતા આરતી, થાળ, ધ્યાન મંત્ર, પૂજા વિધિ અને તેના ફાયદા – Jivantika Maa Vrat Katha PDF Free Download

જીવંતિકા માતા પાર્વતી માતા નું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. જેમની પૂજા તથા કથા સ્કંદ પુરાણ માં વર્ણવામાં આવેલ છે.

સર્વ મંગલા જીવંતિકા માતા નું પૂજા મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો માં થતી હોય છે. રાજકોટ જીલ્લા માં માતા નું એક મદિર પણ આવેલ છે.

જીવંતિકા વ્રત કથા પૂજા વિધિ શી રીતે કરવી

આ વ્રતની વિધિ સરળ છે. જાતે જ કરી શકાય છે. તેના માટે કોઈ ગોરની જરૂર નથી. શ્રાવણના શુક્રવારથી શરૂ થતા આ વ્રતની વિધિ માટે નીચે જણાવેલાં સાત પગથિયાં જ યાદ રાખવાનાં છે.

(૧) વ્રતનો આરંભ શ્રાવણના પહેલા શુક્રવારથી થાય છે. પણ કોઈ અડચણ હોય અને પહેલા શુક્રવારે પૂજન ન થઈ શકે તો બીજા શુકવારે આરંભ કરવામાં કોઈ બાધ નથી. શ્રાવણનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ ગણાયો છે.

(૨) શુક્રવારની સવારે, સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કર્મ કરી, એક બાજોઠ કે પાટલા પર મા જીવંતિકાનો ફોટો કે મૂર્તિ પધરાવવા. પૂજાના આરંભ પૂર્વે શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરવો:

“હે જીવંતિકા મા ! હું પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરું છું. મારા પર અમીદિષ્ટ કરજો. મારું અને મારા પરિવારનું ભલું કરજો. અમારા સંકટ હરી અમને હંમેશા ખુશ રહેવાના આશિપ આપજો. મારા સંતાનોને સર્વ પ્રકારે સહાય કરજો,’

(૩) માતાજીના ફોટા કે મૂતિની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી. સ્નાન, અબિલ-ગુલાલ, કંકુ-ચોખા, ફુલ, ફુલહાર, ધુપ-દીપક અને નૈવેદ્ય અર્પણ કરવા. પૂજામાં લાલ ફૂલનો જ ઉપયોગ કરવો. નૈવેદ્યમાં સાકર કે કંસાર ધરવા. નૈવેધ ધરાવી એક અગર પાંચ દિવેટથી માની આરતી કરવી. આરતી બાદ સ્તુતિ કરી ભૂલચૂક થઈ હોય તો આપવા માટે વિનંતી કરવી.

વ્રત કરનાર બહેને જમણા હાથમાં ચોખા લઈ મનોમન પ્રાર્થના કરવી, “હે મા જીવંતિકા ! ત્રણે ભુવનમાં તારો જય-જયકાર છે. હું મારા સંતાનોને સુખ આપજે, લાંબુ આયુષ્ય આપજે. તેની સર્વ પ્રકારે રક્ષણ કરજે. મારી મનોકામનાઓ પૂર્ણ કરજે.”

આ પ્રમાણે પ્રાર્થના કરી ચોખાના દાણા પોતાના સંતાન પર નાંખવા. સંતાન બહારગામ હોય તો ચોખાના દાણા ચોતરફ વેરી દઈ. સંતાન પર નાખ્યા છે તેવો સંકલ્પ કરવો. એ પછી કોઈ ભૂલચૂક થઈ હોય તો એ બદલ માતાજીની માફી માંગવી.

(૪) વ્રત દરમિયાન એક જ વાર ભોજન કરવું. પ્રસાદમાં કંસાર ધરાવી એ કંસારનું ભોજન એક વાર થઈ શકે તો ઉત્તમ. બની શકે તો માના ફોટા મૂર્તિ સામે જ ભોજન ગ્રહણ કરવું. તબિયતના કે એવા કારણથી ભૂખ્યા ન રહી શકાતું હોય તો ફળાહાર કરી શકાય. પણ ભોજન તો એક જ વાર લેવું.

(૫) વ્રત કરનાર બહેને પીળાં વસ્ત્રો કે પીળાં ઘરેણાંનો વ્રતના સમયે ત્યાગ કરવો. લાલ વસ્ત્રો જ ધારણ કરવાં. વિધવા બહેન સફેદ વસ્ત્ર ધારણ કરી શકે છે. વ્રતના દિવસે લીલા કે પીળા કપડાથી બનેલા મંડપની નીચે જવું નહિ કે વહેતું જળ ઓળંગવું નહિ.

(૬) વ્રતની રાત્રે જાગરણ કરવાનું હોય છે. ઘણાં બહેનો વ્રત કરે છે, પણ જાગરણ કરવા માટે ફિલ્મ જુએ છે. આ સરાસર ખોટું છે. રાત્રી જાગરણ ભક્તિ માટે છે. મનનું સુમાર્ગે દોરવા માટે છે. રાત્રે જીવંતિકાની કથા કે વાર્તા સાંભળવી, ગરબાનો પાઠ કરવો, મનના ભજન-કીર્તન કરવાં. આમ સારાં કર્મ અને સારા વિચારમાં રાત્રી પસાર કરવી. આખી રાત જાગરણ ન થઈ શકે તો મધ્યરાત્રી સુધી અવશ્ય જાગવું.

(૭) વ્રતના દિવસે અસત્ય બોલવું નહિ. કોઈની નિંદા કરવી નહિ કે સાંભળવી નહિ. ક્રોધનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, ખોટા વાદ વિવાદ કે ચર્ચાથી દૂર રહી માતાનું સ્મરણ કે ભજન કરતાં રહેવું.

આમ વ્રતની વિધિ સાદી અને સરળ છે પણ આ વિધિ પૂર્ણ શ્રદ્ધાથી કરવી જોઈએ.

જીવંતિકા વ્રત કથા(Complete Vrat Katha)

ઘણાં વર્ષો પહેલાં સુશીલ નામે એક રાજા હતો. રાજા અને રાણી સુલાક્ષણાને કોઈપણ વાતનું દુઃખ ન હતું. માત્ર તેમને સંતાનની ખોટ હતી, રાણી ચિંતામાં ને ચિંતામાં સૂકાતી જતી હતી.

રાણીવાસમાં રાણી ઉદાસ મને બેઠી હતી, તેવામાં એક દાસી ત્યાં આવી ચઢી. દાસી સૂયાણીનું કામ કરતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે.

દાસી રાણીના મનના ભાવ સમજી ગઈ તે બોલી: ‘રાણીજી ! આટલી બધી ચિંતા શું કરો છો ? તમે આજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું.’

‘એવો શો ઉપાય છે, કે જેથી મારું વાંઝિયામહેણું ટળે’ રાણીએ પૂછ્યું.

દાસીએ બારણા બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું : ‘જુઓ, ગામમાં એક બ્રાહ્મણી ને પાંચમો મહિનો જાય છે, આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો.’ પછી આગળનું કામ હું સંભાળી લઈશ.

દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે, એવી વાત ફેલાવવા માંડી.

એ વાતને ચાર મહિના વીતી ગયા. બ્રાહ્મણીએ દાસીને તેડાવી. મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો. દાસી બધાની વિદાય લઈ ચાલતી થઈ.

થોડીવારમાં બધાં ઘસઘસાટ ઊંઘવા લાગ્યાં. એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં પેઠી અને બાળકને ઊઠાવી રાણી પાસે લઈ આવી. બાળક રાણીને આપ્યું.

સવારમાં આખા રાજભવનમાં આનંદ આનંદ થઈ રહ્યો. સૌ કહેવા લાગ્યાં : ‘રાણીને કુંવર જન્મ્યો. રાજા રાણીનું વાંઝિયાંમે’ણું ટળ્યું.’

ગોરાણી જીવન્તિકાદેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યાં, રાજકુમાર ઊંઘતો હોય તો પણ તેઓ ઓશીકે ઊભાં રહેતાં.

આમ ને આમ વર્ષો વીતી ગયાં. રાજકુમાર અભય મોટો થયો. થોડાં વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભયકુમાર રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજાને પુત્ર સમાન પાળતો.

એક દિવસ તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો. ચાલતાં ચાલતાં તે થાકીને લોથપોથ થઈ ગયો હતો, તેવામાં એક ગામ આવ્યું. અભયકુમાર ગામમાં એક વાણિયાને ઘરે ગયો અને કહ્યું : ‘ભાઈ ! મને આજની રાત રહેવા દેશો’

‘ભલે, ભાઈ આનંદથી રહે ! મારે ત્યાં અતિથિ ક્યાંથી !’ વાણિયાએ અભયકુમારને ઉતારો આપ્યો.

વાણિયો પૂરો અભાગિયો હતો. તેને ત્યાં જે સંતાનો થતાં તે માત્ર છ દિવસ જીવીને સાતમા દિવસે મરણ પામતા. વાણિયો બાપડો શું કરે ? વિધિના લેખ કંઈ મિથ્યા થાય ?

વાણિયાને ત્યાં પુત્રનો જન્મ થયે આજે છ દિવસ થયા હતા, તે મનમાં ને મનમાં રડતો હતો. પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાં પોતાની ચિંતાને કારણે તે તેની સાથે વાત પણ કરી શકતો ન હતો.

મધરાત થઈ ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાત્રી આવ્યાં, વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે, ત્યાં તો દેવી જીવન્તિકાએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું :

‘દેવી વિધાત્રા ! તમે અહીં ક્યાંથી ?’

‘વાણિયાના દીકરાને આજે છ દિવસ થયા છે, તેથી તેનો ભાગ્યલેખ લખવા આવી છું !”

‘બહેન !’ લેખમાં શું લખશો ?’

‘એના ભાગ્યમાં છે, એ જ લખવું પડશે. લખીશ કે, છોકરો સવારમાં મરણ પામશે !’

‘ના, ના વિધાત્રી ! તમે એવું નહીં લખી શકો હું તમારી મોટી બહેન છું. તમારે મારી વાત માનવી પડશે. જ્યાં મારો વાસ હોય, જે ઘરે મારાં પગલાં પડ્યાં હોય, તે ઘરના બાળકોનું હું અમંગળ નહીં થવા દઉં.’

વિધાત્રીદેવીને જીવન્તિકામાની વાત માનવી પડી. છોકરાના ભાગ્યમાં ‘દીર્ઘાયુષ’ લખીને તેઓ ચાલતાં થયાં.

સવાર થયું, વાણિયો પોતાના છોકરાને જીવતો જોઈ આશ્ચર્ય પામ્યો. તે ઘણો જ રાજી થઈ ગયો. આ તેણે યાત્રાળુ અતિથિનાં પગલાંનો પ્રભાવ માન્યો. તેથી તે અતિથિની ભાવપૂર્વક સરભરા કરવા લાગ્યો.

અભયકુમાર ત્યાંથી ગયાજી જવા નીકળ્યો. વાણિયાએ તેમને વિદાય આપતાં કહ્યું : ‘ભલે જાવ, પરંતુ વળતાં અહીં થઈને જજો.’

અભયકુમારે વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈને ત્યાંથી ચાલવા માંડ્યું.

ચાલતો ચાલતો અભય કુમાર ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા કરી પિંડ આપવા હાથ લાંબો કર્યો, ત્યાં તેને એક ને સાટે બે હાથ દેખાયા ! પરંતુ તે કારણ સમજી શક્યો નહીં.

તેણે તે પંડિતોને પૂછી જોયું, તો પંડિતોએ પણ કશો ઉત્તર આપ્યો નહીં. બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો.

શ્રાદ્ધક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાને ગામ જવા ચાલી નીકળ્યો. જતાં જતાં માર્ગમાં પેલા વાણિયાનું ગામ આવ્યું. વાણિયાનો પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તેને ત્યાં બીજો પુત્ર જન્મ્યો હતો.

આજે વાણિયાને ત્યાં પુત્ર જન્મ્યાને છ દિવસ થયા હતા. અભયકુમારને જોઈ વાણિયો અડધો અડધો થઈ ગયો અને તેનો ખરા ભાવથી આદરસત્કાર કર્યો.

બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા, એટલે પાછાં મધરાત થતામાં વિધાત્રી દેવી આવ્યાં. વિધાત્રી ઘરમાં આવ્યાં.

ત્યાં તો દૈવિ જીવન્તિકાએ તેમને પૂછ્યું : “બહેન ! આજે શું લખશો એ તો કહો !’

‘દેવી ! ગઈ વેળા જે લખવાનું હતું એ જ ફરીથી લખીશ કે, સવારે આ બાળક મૃત્યુ પામશે.’.

‘ના બહેન, એવું ન લખશો. જ્યાં મારાં પગલાં પડે ત્યાં અમંગળ ન થાય.’

‘દેવી ! ગઈ વેળા મેં તમારું કહેવું માન્યું હતું. પણ આ વેળા મને ના અટકાવશો ! કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાંગે. પણ હા, દેવી જીવન્તિકા ! તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યાં છો, એ તો કહો ?’

એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઊડી ગઈ. તે ગુપચુપ પથારીમાં પડ્યો પડ્યો દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો.

જીવન્તિકા દેવી બોલ્યાં:’ દેવિ વિધાત્રી ! આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે, પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી, એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે પણ જવું પડે છે. પરંતુ આ વાણિયાને ત્યાં મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં ? બહેન ! તારે મારી આજ્ઞા પાળવી પડશે.’

વિધાત્રી : ‘જેવી આશા.’ કહી ભાગ્યલેખ લખવા બેઠાં.

લેખમાં લખ્યું: ‘આ છોકરો દીર્ઘાયુષી થશે અને તેને અનેક પ્રકારનાં સુખ સંપત્તિ પ્રાપ્ત થશે.’

સવાર પડ્યું, વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો ! વાણિયાને થયું કે, અવશ્ય આ કોઈ પૂણ્યશાળી મહાપુરુષ છે.

અભયકુમારે વાણિયાની વિદાય માગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યો.

રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવન્તિકાનો જે સંવાદ થયેલો તે હજુ તેના કાનમાં ગૂંજતો હતો. ઘરે જઈને તેણે રાણીને પૂછ્યું : ‘મા ! તમે કોઈ વ્રત કર્યું હતું ?”

રાણીએ કહ્યું : ‘ના બેટા, મેં કોઈ વ્રત કર્યું નથી.’

અભયકુમારને નવાઈ લાગી. તેને આખો ભેદ સમજાઈ ગયો, શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણનો શુક્રવાર આવ્યો.

અભયકુમારે ઢંઢેરો પીટાવ્યો કે, આજે રાજભવનમાં ઉજાણી છે, માટે સૌએ પીળાં વસ્ત્રો પહેરીને જમવા આવવું. સૌ જમવા આવ્યાં.

પછી રાજાએ ગામમાં ફરી પૂછાવ્યું કે, કોઈ આવવાનું રહી ગયું તો નથી ને ! ત્યાં તો એક દાસી સમાચાર લાવી કે, એક બ્રાહ્મણી જમવા આવવાનું ના કહે છે. કહે છે કે, મારે જીવન્તિકાનું વ્રત છે, એટલે પીળાં વસ્ત્રો પહેરીને હું નહીં આવું.

અભયકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યાં. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી. મા-દીકરો સામસામાં મળ્યાં.

ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચઢ્યું અને દૂધની શેડ છૂટી ! શેડ રાજકુમારના મોંઢામાં પડી. બધાંને નવાઈ લાગી. બધાં વિચાર કરવા લાગ્યાં કે, આ શું ?

અભયકુમારે પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું : ‘હવે તમે આ રાજભવનમાં રહો, તમે જ મારી મા છો !’

બ્રાહ્મણીએ અભયકુમારને પૂછ્યું : ‘બેટા, હું તારી મા છું, એમ તને કોણે કહ્યું ?’

અભયકુમારે માતાજીની કહેલી વાત કહી સંભળાવી અને ચમત્કારિક હાથનાં દર્શનની પણ વાત કરી.

ત્યારથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે દેવી જીવન્તિકાનું વ્રત આરંભ્યું.

સૌ ગોરાણીને પૂછવા લાગ્યાં કે, ગોરાણી ! અમે ‘જીવન્તિકા વ્રત’ શી રીતે કરીએ એ કહો.

ગોરાણી બોલ્યાં : ‘બહેન, જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળાં વસ્ત્રો પહેરવાં નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહિ, પીળા માંડવા હેઠળ બેસવું નહિ, ચોખાનું પાણી ઓળંગવું નહિ. માતાજીના નામનો પાંચ દીવેટવાળો દીવો પ્રગટાવવો, પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી. સાકરના કંસારનું નૈવૈધ ધરાવવું અને ધરાવેલા નૈવેધનું એકટાણું જમવું. નવ વર્ષ પૂરાં થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળકને પોતાને ત્યાં નોંતરી, ફૂલહારથી તેમનું પૂજન કરી જમાડવાં. આ વ્રત કરાનારના બાળકોનું ‘દેવી જીવન્તિકા’ સદા રખવાળું કરશે. તેમને ઉની આંચ પણ આવવા નહિ દે.’

દેવી જીવન્તિકાના વ્રતના પ્રભાવે ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો અને માતાએ તેમનું રક્ષણ કર્યું.

જય જીવન્તિકામા જેવા ગોરાણીને ફળ્યા, એવા સૌને ફળજો!

લેખકલોક સંસ્કૃતિ
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ11
Pdf સાઇઝ0.5 MB
Categoryવ્રત કથાઓ

જીવન્તિકા માતાની આરતી

જય જીવન્તિકા માતા, જય જીવન્તિકા માતા,

ભક્તજનો ગુણ ગાતા (૨) તમે સંતતિ સુખ દાતા. ૐ જય…

શ્રાવણ કેરા શુક્રવારે, કરી દર્શન તુજ દ્વારે, (૨)

રક્તાંબર ધરી અંગે (૨) માડી તારું વ્રત ધારે. ૐ જય…

મધ રાતે કરી ચોકી, વિધાતાને તે રોકી, (૨)

લેખ વિધિના બદલાવ્યા (૨) કૃપા કરી મોટી. ૐ જય…

વ્રત પ્રતાપે તારા, ગોરાણી પુત્ર પામી, (૨)

મા ને દિકરો મળીયા (૨) ના રહી કોઈ ખામી. ૐ જય…

વંઝાને ઘર ઝુલે પારણું, જીવન્તિકા મા એવા, (૨)

વ્રત કરતાં માડી તારું (૨) મહેણું ન દે રહેવા. ૐ જય…

જીવન્તિકા માની આરતી, જે કોઈ કરશે (૨)

મનવાંચ્છિત ફળ આપી (૨) માડી દુઃખ હરશે. ૐ જય…

જીવંતિકા વ્રત નું ઉજવણું

પાંચ, સાત કે નવ વર્ષ સુધી આ વ્રત કરી તેનું ઉજવણું કરી શકાય છે. આ વ્રતનું ઉજવણું શ્રાવણ માસના પહેલા (અને જો અનુકૂળતા ન હોય તો બીજા) શુક્રવારે કરવાનું હોય છે.

ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુકને ભાવપૂર્વક જમાડવા જોઈએ. ભોજનમાં ગમે તે વાનગી બનાવી શકાય પણ કોઈ મિષ્ટાન્ન જરૂર પીરસવું.

આ ભોજન માની પ્રસાદી છે, પ્રસાદી ગ્રહણ કરનાર હરકોઈના આચાર-વિચાર અને લાગણીની શુદ્ધિ થાય છે.

સૌભાગ્યવતી સ્ત્રી, બટુક અને કુમારિકાને આમંત્રિત કરી પહેલા ચોખા અને ફૂલથી તેનું પૂજન કરવું, તેને યથાશક્તિ વસ્ત્ર આપવાં. વસ્ત્ર આપવાની અનુકૂળતા ન હોય તો સૌભાગ્યના શણગાર અવશ્ય આપવા.

ભોજન બાદ શક્તિ મુજબની દક્ષિણા આપી, શ્રદ્ધાથી તેને વંદન કરવાં.

આ વ્રતનું ઉજવણું કર્યા પછી પણ ચાલુ રાખી શકાય છે. પણ અનેક વર્ષો સુધી વ્રત કરવા છતાં ઉજવણું તો એક જ વાર કરવાનું હોય છે.

ઉજવણા પછી વ્રત ચાલુ રાખવાથી માના આશીવાંદ મળે છે. અને સર્વ પ્રકારે સુખશાંતિ મળતાં રહે છે. પણ ફરી ફરી ઉજવણું થઈ રાકે નહિ. ઉજવણું માત્ર એક જ વાર કરવાનું હોય છે.

શ્રી જીવંતિકાનો ધ્યાનમંત્ર

મા જીવંતિકાનો આ ધ્યાનમંત્ર છે. બની શકે તો એ મુખપાઠ કરી લેવો અને તેનો પાઠ કરવો. જેટલા બને એટલા વધારે પાઠ કરવા જોઈએ કારણ કે ‘ગોળ નાખો એટલું ગળ્યું થાય’ એ ન્યાયે વધારે ભક્તિ વધારે ઉત્તમ ફળ આપે છે.

શૂલં ચક્રમસિં ચ શંખકમલે સંધ્યારચંતી ગદા ભક્તા ભીષ્ટ પ્રદાવરા ભયકરાં કારણ્ય પૂર્ણ શિવાં ।

કીડન્તેર્બહુબાલ કૈ પરિવૃતા માંગલ્ય સિદ્ધિ પ્રદાં ચિદૃપા જગદીશ્વરી ભગવતી જીવંતિકાં ચિન્તયે ||

શ્રી જીવંતિકાનો થાળ

આવો જમવા માત, જીવંતિકા આવો જમવા માત,

ભોજનની થઈ વેળા, પાડું તમને સાદ. આવો જમવા માત…

રૂમઝૂમ પગલે આવો, મારું મંદિર શોભાવો,

રિદ્ધિ-સિદ્ધિ યશદાતા, શુભ છે તારી યાદ. આવો જમવા માત…

ભોજન પીરસ્યાં ભાવે માતા ભોજન પીરસ્યાં આજ,

ભાવ અમારો જાણો, સાચો છે એ સ્વાદ. આવો જમવા માત…

જમજો ધીરે ધીરે જનની, જમજો ધીમે માત,

શ્રદ્ધાથી લાવી છું, પ્રેમ ભક્તિનો થાળ. આવો જમવા માત…

મન ઉભરાયે સુખથી, માતા દિલમાં મોટી આશ,

કૃપા અમારી પામી, મટશે જગના તાપ. આવો જમવા માત…

તૃપ્ત થઈ ઓ માતા, સુણજો નાની એવી વાત,

આશિષ આપો અમને, રાખો સહુની લાજ. આવો જમવા માત….

જીવંતિકા માતા વ્રત કથા, આરતી, થાળ, ધ્યાન મંત્ર, પૂજા વિધિ અને તેના ફાયદા | Jivantika Maa Vrat Katha In Gujarati Book/Pustak PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!